છેતરપિંડી:આણંદમાં મકાન લેવા બેંકમાંથી લોન ન મળતા મિત્રએ મિત્રનું 10 લાખમાં કરી નાખ્યું

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણા ચુકવવા આપેલો ચેક પણ રિટર્ન થયો મિત્રની જાણ બહાર જ બેંકમાંથી રિટર્ન થયેલો ચેક પણ લઇ ગયો

આણંદ શહેરના સરવરનગર ખાતે રહેતા વેપારીએ મકાન બનાવવા તેના મિત્રને રૂ.10 લાખ આપ્યાં હતાં. જોકે, મિત્રએ તેના ચુકવણા માટે આપેલો ચેક રિટર્ન થયો હતો. આ ઉપરાંત વેપારીની જાણ બહાર બેંકમાંથી ચેક અને રિટર્ન મેમો પણ લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના સરવર નગર રેલવે ફાટક પાસે રહેતા અને પાનના ગલ્લાનો વ્યવસાય કરતાં યાસીન ઇસ્માઇલભાઈ વ્હોરા અગાઉ મોબાઇલ શોપમાં નોકરી કરતાં હતાં. આ સમયે તેમની સાથે સલીમ ઇકબાલ વ્હોરા પણ નોકરી કરતો હતો. બન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આ મિત્રતાનો લાભ લઇ સલીમે સલાટીયા વિસ્તારમાં મકાન બનાવવાનું હોય તેમજ થયેલું દેવુ ચુકવવા માટે નાણાની જરૂરિયાત ઉભી થઇ હતી.

આ ઉપરાંત બેંક લોન ન મળતાં તકલીફમાં મુકાઇ ગયો હતો. આથી, મિત્રતતાના નામે યાસીન વ્હોરાએ રૂ. સાત લાખ તથા રૂ.ત્રણ લાખની લોન લઇ કુલ રૂ.દસ લાખ સલીમને આપ્યાં હતાં. આ નાણા છ મહિનામાં પરત કરવા વિશ્વાસ આપ્યો હતો. જોકે, યાસીન વ્હોરાને નાણાની જરૂર પડતાં રકમ માંગી હતી. આથી, સલીમે રૂ. દસ લાખનો ચેક લખી આપ્યો હતો. જે 20મી એપ્રિલના રોજ યાસીનભાઈએ બેંકમાં નાંખ્યો હતો. જે ત્રણેક દિવસ સુધી બેંકમાં જમા ન થતાં યાસીન ચિંતામાં પડ્યાં હતાં અને બેંકમાં જઇ તપાસ કરતાં ચેક રિટર્ન થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમણે આપેલો ચેક પણ જાણ બહાર અસલ ચેક તથા રિટર્ન મેમો બેંક કર્મચારી પાસેથી કોઇ પણ રીતે સલીમ લઇ ગયો હતો. આ અંગે સલીમને પુછતા તેણે ચેક અને રિટર્ન મેમો લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. જે પરત માંગતા તેણે નાણાં મળી જશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેવો વિશ્વાસ આપ્યો હતો. જોકે, આ વાતને લાંબો સમય થવા છતાં નાણાં આપ્યાં ન હતાં અને રૂ. દસ લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે આમંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સલીમ ઇકબાલ વ્હોરા (રહે.આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...