તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે કોમ્પલેક્ષ બળીને ભસ્મીભૂત:આણંદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટનામાં છેક 25 દિવસે ફરિયાદ નોંધાઇ અને એ પણ કુલડીમાં ગોળ ભાગવા સમાન

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગમાં ભસ્મીભૂત ફટાકડાની દુકાનના કાટમાળનો દિવસો પછી નિકાલ - Divya Bhaskar
આગમાં ભસ્મીભૂત ફટાકડાની દુકાનના કાટમાળનો દિવસો પછી નિકાલ
  • પાંચ દુકાનમાં નુકસાન છતાં અલગ અલગ ફરિયાદને બદલે મુખ્ય એક ફરિયાદ નોંધાઇ
  • શંકા : એનઓસીના નિયમોનું ઉલાળિયું છતાં પાલિકા કે સરકારે ફરિયાદી બનવાને બદલે આરોપીના એક પરિચિત જ મુખ્ય ફરિયાદી

આણંદ શહેરમા નગરપાલિકા નજીક રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં આવેલી મયુર ફટાકડા સેલ્સ નામની દુકાનમાં ગત 9મી ઓગસ્ટના રોજ સાંજના 4.30 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને દુકાન જ્યાં આવેલી હતી તે લક્ષ્ય ઇમ્પિરિયલ અને બાજુના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી પાંચ દુકાનો, પાંચ વાહનો નાશ પામ્યા હતા. આટલી ગંભીર દુર્ઘટના હોવા છતાં બનાવના છેક 25 દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મુયર સેલ્સના માલિકની બેદરકારીના કારણે આગ લાગી હોવાનું અને અંદાજે 87 લાખનું નુકસાન થયું હોવાનો ઉલ્લેખ કરી સુનિલ કનૈયાલાલ ખટવાણી, તેના પુત્ર મોહિત સુનિલ અને પિતા કનૈયાલાલ ખટવાણી સામે ગુનો નોંધાયો છે.

મયુર સેલ્સની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનની આગ તેના પહેલા માળે આવેલી દુકાન અને બીજા માળે આવેલા ગોડાઉન સુધી પ્રસરી બાજુના કોમ્પલેક્ષમાં આવેલા ઇલેકટ્રોનિક શો રૂમ અને બીજી અન્ય દુકાનોમાં પ્રસરી હતી. આગમાં જાનહાનિ થઇ ન હતી પરંતુ માલમિલકતને ભારે નુકસાન થયું હતું. આ બાબતે સ્પાન સેલ્સ ઇલે.ના માલિક હિતેશ વિજય મોહનાનીએ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સોનુ ખટવાણી, તેના ભાઇ અને પિતાના નામે ફટાકડા વેચવાનો જે દુકાનના પરવાના અપાયા હતા તે ઉપરાંત પરવાના સિવાયની બીજી દુકાનો અને ખૂલ્લી જગ્યામાં શૅડ બનાવીને અને બીજા માળે ગોડાઉન બનાવી ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરી યોગ્ય કાળજી ના રાખતા આગ લાગી હતી.

આગમાં આજુબાજુની દુકાનોમાં 87લાખનું નુકસાન
01.
લક્ષ્ય ઇમ્પિરિયલની બાજુમાં આવેલી સ્પાન સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં ઇલેકટ્રોનિક સાધનો બળી જતાં 40 લાખ ઉપરાંત આગ બુઝાવવા માટે છાંટેલા પાણીના કારણે માલ પલળી જતાં બીજું રૂ.30 લાખનું નુકસાન
02. હરેશભાઇ તેજવાણી રમકડાની દુકાનમાં રૂ. 2 લાખનું નુકસાન
03. જીતેન્દ્રભાઇ સિંધીની કાપડની જી-3માં દુકાનમાં 10 લાખનું નુકસાન
04. મહેશકુમાર લુવાનાની જી-4 મરીમસાલાની દુકાનમાં 4 લાખનું નુકસાન
05. હેમલ પટેલની જી-6 દુકાનમાં આવેલી ઓફિસમાં 1 લાખનું નુકસાન
06. ચાર જેટલા વાહનો બળી ખાખ થયા.

આગની ઘટના વિકરાળ પણ તપાસમાં શંકા પ્રેરતા મુદ્દા
01.
આગમાં બે કોમ્પલેક્ષમાં ભારે નુકસાન અને અનેકના જીવનું જોખમ છતાં 286, 427, 114 (મહત્તમ બે વર્ષની જેલ) જેવી હળવી કલમો.
02. દુર્ઘટનામાં 5 અલગ અલગ માલિકોની દુકાનનો નાશ છતાં અલગ અલગના બદલે એકમાત્ર હિતેશ મોહનાનીએ નોંધાવેલી ફરિયાદમાં બાકીની દુકાનોમાં થયેલા નુકસાનનો ઉલ્લેખ માત્ર.
03. ફરિયાદી હિતેશ મોહનાની અને આરોપીઓ એક જ સમાજના અને એકબીજાથી પરિચિત. ફરિયાદીએ આ બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
04. બે કોમ્પલેક્ષમાં ભારે નુકસાન, ફાયર-પાલિકા NOCનું ગંભીર ઉલ્લંઘન, રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટકોનો સંગ્રહ જેવો ગંભીર ગુનો છતાં પાલિકા, ફાયરબ્રિગેડ, પોલીસ કે સરકારી તંત્રે ફરિયાદ કરવાને બદલે વ્યક્તિગત ફરિયાદ નોંધાઇ.

અન્ય સમાચારો પણ છે...