દારૂ ઝડપાયો:આણંદમાં ઘરમાં પ્રસિદ્ધ કંપનીઓના લેબલ સાથે બનાવટી દારૂ બનાવનારો બુટલેગર ઝડપાયો

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલર એસેન્સ, પાણી, સ્પીરીટની વસ્તુઓનો ઉપયોગ કરી પરપ્રાંતનો દારૂ બનાવતો હતો
  • પાલીયા સીમ વિસ્તારમાં રહેતા બુટલેગરના ઘરમાં દરોડો પાડતાં ખાલી બોટલો અને કેમિકલ મળી આવ્યાં

આણંદના વિદ્યાનગરમાં બનાવટી વિદેશી દારૂ બનાવતો ઈસમ ઝડપાયો હતો. જેથી ચકચાર મચી છે. સ્પિરિટ અને કેમીકલ એસેન્સથી આ બનાવટી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે પાલીયા સીમ વિસ્તારમાં દરોડો પાડી ઘરમાં જ કેમિકલની મદદથી વિદેશી દારૂ બનાવનારા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. બુટલેગર વિવિધ બ્રાન્ડની ખાલી બોટલમાં પેક કરી દારૂ વેચી રહ્યો હતો. તે દરમિયાન તેને પકડી પાડ્યો હતો. હાલ આ ઘટનામાં પોલીસે સામાન્ય રકમનો મુદ્દામાલ રીકવર કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાના ધામમાં નશાનો ખેલ ખુલ્લો પડ્યો છે. વિદ્યાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, કરમસદ - પાલીયા સીમ વિસ્તારમાં નહેર પાસે રહેતા કનુ ભીમા તળપદા નામનો શખસ પોતાના મકાનમાં કલર એસેન્સ, પાણી, સ્પીરીટની વસ્તુઓનો ઉપયોગ કરી પરપ્રાંતનો દારૂ બનાવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે રવિવારની સમી સાંજે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં કનુ તળપદાને કોર્ડન કરી પકડી પાડ્યો હતો અને તપાસ કરતાં ઘરની બહાર પાછળની બાજુ ઝાડીમાં આલ્કોહોલની તીવ્ર વાસવાળું સ્પિરીટ પ્રભાવી ભરેલો કેરબો મળી આવ્યો હતો. આ ઉપરાંત પ્લાસ્ટિકની બોટલ, સ્પિરિટ, કલર એસેન્સ, વિદેશી દારૂની ખાલી બોટલો મળી કુલ રૂ.2940નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કનુ કલર એસેન્સ, પાણી, સ્પીરીટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી વિદેશી દારૂ બનાવી વિવિધ બ્રાન્ડની ખાલી બોટલમાં ભરી વેચતો હોવાનું ખુલતાં પોલીસે તેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂ પર પોલીસે ઘોંચ બોલાવતાં બુટલેગરોએ કેમિકલની મદદથી જ વિદેશી દારૂ બનાવવાનું ખાનગીમાં શરૂ કર્યું છે. પરંતુ કેમિકલની મદદથી બનતા આ વિદેશી દારૂ પીવાથી વ્યક્તિના આરોગ્યને કેટલું નુકશાન થાય તેની સહેજ પણ સંવેદનશીલતા કે કાયદાનો ભય આ તત્વોને નથી. આવા દારૂથી લઠ્ઠાકાંડનો ભય પણ ઉભો થયો છે. હાલ આ દારૂના વેચાણ અંગે પોલીસે કનુ તળપદાની સઘન પુછપછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...