પેટલાદ તાલુકાના કણીયા ગામની રાધાપુરા વિસ્તારમાં આવેલા બેચર વિરાવાળા ખેતરમાં ગઈકાલે બપોરના સમયે જમીનના લાગભાગ બાબતે ઝઘડો થતા એકને ગળાના ભાગે તેમજ માથામાં ધારીયાના ઘસરકા કરીને તેમજ લાકડાના ડંડાથી મારી મારીને ઈજાઓ થઈ છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ લાખાભાઇ તળપદા ગઈકાલે બપોરના બારેક વાગ્યાના સમયે બેચર વિરાવાળા ખેતરમાં છાપરું બનાવતા હોય જમીનના લાગભાગ બાબતે દિનેશ જશભાઈ તળપદા, મહેશ પુનમભાઈ તળપદા, મોહન ખોડાભાઈ તળપદા અને વિનુ ઉર્ફે મણી ખોડાભાઈ તળપદા આવી પહોંચ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો.
દિનેશે ઝપાઝપી દરમિયાન પોતાના હાથમાનું ધારીયું આડુ કરી દેતાં લાખાભાઈને ગળાની બન્ને બાજુ ઘસરકા પડી ગયા હતા તેમજ ધારીયાનું ચાંચ માથામાં અડી જતાં લાંબો ચીરો પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. મોહને પોતાની પાસેના લાકડાના ડંડાથી તેમજ મહેશ અને વિનુએ ગડદાપાટુનો માર મારીને તાડુક્યા હતા કે આજે તો બચી ગયા છો, ફરીથી આ ખેતરમાં પગ મુકશો તો જીવતા નહીં મુકીએ તેવી ધમકી આપી હતી.
ગંભીર રીતે ઘવાયેલા લાખાભાઈને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ગોરધનભાઈની ફરિયાદને આધારે પોલીસે ચારેય ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.