ભાસ્કર વિશેષ:બાળકોએ લખેલી વાર્તાનો સંગ્રહ પ્રકાશિત કરી પ્રોત્સાહિત કરાશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરિયાળ ગામડાના બાળકો પણ પર્સનાલિટી ડેવલોપમેન્ટ વિશે માહિતગાર થશે

ગુજરાતમાં યુનિવર્સિટીમાં, કોલેજોમાં અને વિવિધ સંસ્થાઓમાં વ્યક્તિત્વ વિકાસ અને કૌશલ્ય માટે અવાર નવાર વર્કશોપ એટલે કે કાર્યશાળા યોજાતી હોય છે. પરંતુ આંતરિયાળ ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓમાં 6 થી 8 ધોરણના બાળકો માટે આવા પ્રયાસ ઘણા ઓછા થતાં હોય છે. ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં નાપા એકતાનગર પ્રા.શાળામાં કૌશલ્ય વર્ધક અને વ્યકિતત્વ વિકાસના પાઠ ભણાવીને બાળકોને કુમળી વયથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેનો ફાયદો તેઓને ભણતર સહિત કારર્કિદી ઘડવામાં થશે. આણંદના નાપા ગામે એક્તાનગર પ્રાથમિક શાળામાં દર વર્ષે છ દિવસીય કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ માટે કાર્યશાળાનું 2015થી આયોજન કરવામાં આવે છે.

નોંધનીય છે કે અગાઉ પણ દફ્તર વિનાનો દિવસની પણ ઉજવણી કરી હતી. આ નવતર પ્રયોગને સૌએ આવકાર્યો છે.કેરિયરની કેડીએ વર્કશોપ થકી ગામડાના બાળકોમાં રહેલા કૌશલ્યોને ઉજાગર કરવા તથા વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ લઈ જવાના હેતુથી કાર્યશાળામાં વિવિધ ક્ષેત્ર જેવા કે અભિનય, રમતગમત, સંગીતના તજજ્ઞોને બોલાવામાં આવે છે. 6 દિવસીય વર્કશોપમાં વાર્તા લેખન શિબિર, રંગોળી સ્પર્ધા, રમતગમતમાં કેરમ, ચેસ, સ્કેટિંગ જેવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. મોટે ભાગે શહેરની શાળાઓમાં આવી પ્રવુત્તિઓ થતી જોવા મળતી હોય છે પરંતુ આંતરિયાળ ગામડાઓમાં ખૂબ ઓછા પ્રમાણમાં થતી હોય છે.

તદુપરાંત શાળાના પ્રિન્સિપાલ ભાનુપ્રસાદ પંચાલે જણાવ્યું હતું કે આણંદ તથા ગુજરાતમાં પ્રથમ શાળા છે જેમાં સ્કેટિંગ કરાવવામાં આવી રહ્યું છે અને કાર્યશાળા અંગે રાજ્ય કક્ષાએ નોંધ લેવાઈ હતી. નોંધનીય છે કે દિવાળી વેકેશનમાં તથા સમર વેકેશનમાં પણ વિદ્યાર્થીઓ કાર્યશાળામાં ભાગ લઈ રહ્યા છે. વર્ષ 2022માં 3 થી 8નવેમ્બર દરમિયાન યોજાયેલા વર્કશોપમાં બોરસદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.સોલંકી, મીરાંબેન જાદવ સિની. લેક્ચરર-DIET આણંદ(તાલુકા લાયઝન), તથા 60થી વધુ બાળકો અને શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી.

તજજ્ઞોને બોલાવી બાળકોને વાર્તા લેખન શિખવાડ્યું
કરિયરની કેડીએ કાર્યશાળામાં વાર્તા લેખન શિબિર પણ 2015થી યોજવામાં આવે છે, જેમાં તજજ્ઞોને બોલાવી વાર્તા લખવાનું શિખવાડવામાં આવે છે. 6 થી 8 ધોરણના બાળકો દ્વારા લખવામાં આવેલી વાર્તાનો એક સંગ્રહ બનાવી પુસ્તક પ્રકાશિત કરવામાં આવશે. આવુ જ ગિજુભાઈ બધેકાનું સપનું હતું. - ભાનુપ્રસાદ પંચાલ, આચાર્ય, એકતાનગર પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...