બાળકને નવજીવન મળ્યું:કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં મધ્યપ્રદેશના 10 વર્ષના બાળકને હૃદયના વાલ્વની સફળ સારવાર કરાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કરમસદની કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરમાં હૃદયના વાલ્વની બિમારી ધરાવતા 10 વર્ષના બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના દોલતપુરા ગામના 10 વર્ષિય અભય મુકુનચંદ્ર બાસુનીયાને 3 વર્ષની નાની ઉંમરે શ્વાસ લેવામાં તકલીફ પડતાં દાહોદના દવાખાનામાં બતાવવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરે દવાઓ લેવાનું સુચવ્યું હતું.

ડો. વિશાલ ભેંડેએ બાળકનું નિદાન કર્યું
કરમસદ કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરના બાળકોના હૃદયરોગ નિષ્ણાંત ડો. ભદ્ર ત્રિવેદી દાહોદ ખાતે પણ ઓપીડી સેવાઓ પ્રદાન કરે છે અને હૃદયરોગથી પીડાતા બાળકોને નિદાન અને સારવાર પુરી પાડે છે. આ સેવાઓનો લાભ લેવા માટે દાહોદના ડોક્ટરે બાળકના માતા - પિતાને જણાવ્યું હતું. જેથી બાળકને ડો.ભદ્ર ત્રિવેદીને બતાવવામાં આવ્યું હતું. તેઓએ બાળકનો ઇકો કાર્ડિયોગ્રામ કર્યો હતો. જેમાં બાળકના હૃદયના વાલ્વના ખામી જણાઇ હતી. જેથી વધુ સારવાર માટે કૃષ્ણ હોસ્પિટલ જવા જણાવ્યું હતું. બાળકને લઇને માતા - પિતા કરમસદ પહોંચ્યા હતાં. જ્યાં કાર્ડિયાક સેન્ટરના કાર્ડિયો વાસ્ક્યુલર સર્જન ડો. વિશાલ ભેંડેએ બાળકનું નિદાન કરતાં હૃદયના વાલ્વની ગંભીર બિમારી હોવાનું તારણ નિકળ્યું હતું. હૃદયની મુખ્ય ધમનીને પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચતું નથી તથા હૃદયના મુખ્ય ચેમ્બરનો વિસ્તાર વધી ગયો છે.

કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનનો અનુભવ હોવો જરૂરી
બાળકને સંક્રમણ હોવાને કારણે લોહીના રિપોર્ટમાં એન્ટિબોડીની માત્રા વધુ હોવાનું જણાયું હતું. જેથી સર્જરી કરવી સંભવ ન હતી. બે અઠવાડિયા સુધી હોસ્પિટલના શિશુ રોગ વિભાગના ડો. જય શાહની દેખરેખ હેઠળ એન્ટિબોડીની માત્રા ઓછી કરવાની સારવાર પુરી પાડવામાં આવી હતી. સારવાર બાદ બાળકનું શરીર સંક્રમણ રહિત થતાં ડો. વિશાલ ભેંડે દ્વારા હૃદયના વાલ્વ (માઇટ્રલ વાલ્વ)નું સમારકામ કરવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ અંગે ડો. વિશાલ ભેંડે જણાવ્યું હતું કે, નાના બાળકમાં વાલ્વ બદલવાની સર્જરી કરવાને બદલે વાલ્વ રીપેર કરવાની સર્જરી કરવાથી સારૂ પરિણામ મળ્યું છે. પરંતુ તેના માટે કુશળ ડોક્ટરની ટીમ હોવી આવશ્યક છે તથા વાલ્વના સમારકામ માટે કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનનો અનુભવ પણ હોવો જરૂરી છે. માઈટ્રલ વાલ્વ હૃદયની સૌથી જટિલ રચનાનો એક ભાગ છે અને તેના અનેક સ્તર હોય છે. જેથી સર્જરી કરવામાં નિપૂણતા હોવી જરૂરી છે.

નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકના પિતા મધ્યપ્રદેશના ગામમાં ખેતી કરતા હોવાથી સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહતાં. જેથી બાળકને આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં એન્ટિબોડીની સારવાર પણ બાળરોગ વિભાગમાં આશીર્વાદ યોજના હેઠળ નિઃશુલ્ક પુરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...