આણંદ ટાઉનહોલ ખાતે ગુજરાત પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગ્રાહકોને તેના હકથી જાગૃત કરવા સરકાર કટિબદ્ધ છે. ગ્રાહકોમાં જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો ગ્રાહકોને તેમના હકો પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.વર્ષ 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો હતો જેની જોગવાઈઓને વધુ મજબૂત કરવા વર્ષ 2019માં ગ્રાહકોના હિતોમાં વધારો કરતો નવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના થકી ખોટી-ગેરમાર્ગે દોરનાર જાહેરાત કરનારને દંડ અને કેદની જોગવાઈ, સહિતની અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવી છે જેના થકી ગ્રાહકોને તેમના હકો અને ન્યાય મળી રહ્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને તેમના હકો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેમજ સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા જાગૃતતા ફેલાવી ગ્રાહકોને તેમના હકો પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્યકક્ષાએ એપ્રિલ-2022 થી ફેબ્રુઆરી-2023 દરમિયાન મળેલ ઓફલાઈન ફરિયાદો પૈકી 80 ટકાથી વધુ ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્ય ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં મળેલ ફરિયાદોમાંથી 96 ટકા ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ થયું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વેપારીઓ ગ્રાહકનું મહત્વ સમજે છે તે જ સફળ થાય છે. વેપારમાં સફળતા માટે ગ્રાહકો એક મહત્વની કડી છે. તેમણે સરકાર ગ્રાહકોને તેમના હક પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કરી રહી હોવાનું વધુ ઉમેર્યું હતું.
આ પ્રસંગે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહકોની બાબત એન. એન. માધુ એ ગ્રાહક જાગૃતતા, આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ સી.એમ. ભટ્ટ એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને આણંદ કન્ઝ્યુમર કમિશનના મેમ્બર તરુણ સાંકલા એ સ્વચ્છ ઊર્જા મારફતે ઉપભોક્તાઓને સશક્ત બનાવવા અંગે માહિતી આપી હતી.કાર્યક્રમની શરૂઆતમાં આણંદ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શાંતિલાલ કપાસિયાએ સ્વાગત પ્રવચન કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, તોલમાપ વિભાગ તેમજ ઈ-શ્રમ કાર્ડના સ્ટોલ અને ફૂડ સેફટી વાનની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા વળતર અપાવેલ ગ્રાહકોને ચેક વિતરણ તેમજ ગ્રાહક જાગૃતતાની પુસ્તિકાનું ઈ-વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવી, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.