કર્મીઓને રાહત:જિલ્લામાં 89 કંપનીઓએ 7 હજારથી વધુ કર્મીને 11.99 કરોડ બોનસ ચૂકવ્યું

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓને બોનસ મળતા બજારમાં ઘરાકી નીકળી : અર્થતંત્ર પર હકારાત્મક અસર

કોરોનાકાળમાં મોટાભાગની કંપનીઓ ખોટ ગઇ હોવાથી ગત વર્ષે દિવાળી પર ખાનગી કંપનીઓએ બોનસ ઓછું ચુકવ્યું હતું પરંતુ ચાલુ વર્ષે કોરોના કેસો ઘટતા કંપનીઓ પૂર્વવત સ્થિતિમાં આવી રહી છે. કેટલીક કંપનીઓ કોરોના પૂર્વેની સ્થિતમાં આવી ગઇ છે. પરિણામ સ્વરૂપ આણંદ જિલ્લાની 89 જેટલી કંપનીઓએ દિવાળીના તહેવારો વખતે 7304 કર્મચારીઓને 11.99 કરોડનું બોનસ ચુકવી આપતાં જિલ્લામાં દિવાળી ખરીદી મોટા પ્રમાણ થઇ હતી.

આણંદ જિલ્લા શ્રમ આયુકત વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા માર્ચ માસમાં બોનસ ચુકવામાં આવે છે. પરંતુ શ્રમ આયુકત વિભાગ કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ ખાનગી કંપનીઓના સંચાલકોનો સંપર્ક કરીને તેમને સમજાવ્યા હતા. જેના કારણે જિલ્લાની 89 કંપનીઓએ 7304 કર્મચારીઓને 11.99 કરોડનું બોનસ દિવાળી પર ચૂકવ્યું હતું.

જેના કારણે દિવાળી વખતે બજારમાં સારી ઘરાકી નીકળી હતી. આ પગલાંની સારી અસર બજારો પર પડી અને વેપારીઓને સારી આવક થઇ હતી. આમ હવે આણંદ જિલ્લાની બજારો કોરોના પહેલાની સ્થિતિની ખૂબ નજીક પહોંચી ગઇ છે એવું કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...