આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જન્મજાત હૃદયરોગની ખામી ધરાવતા બાળકોને તેમની સારવાર માટે શુભેચ્છા પાઠવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. નોંધનીય છે કે જિલ્લામાં જન્મજાત હૃદયરોગની બિમારી ધરાવતા 79 બાળકો મળી આવ્યા હતા. હવે આ બાળકોને યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે હૃદયની ખામીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે.
આણંદ જિલ્લા પંચાયત ભવન ખાતે જન્મજાત હૃદયરોગના બાળકોને શુભેચ્છા પાઠવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.)ની ટીમ દ્વારા અત્યાર સુધી કુલ 1387 જન્મજાત હૃદયરોગની ખામીવાળા બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જે પૈકી 685 બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા છે અને 506 બાળકો સારવાર હેઠળ છે. 79 બાળકો જેમની સારવાર બાકી છે તેઓને 11 તબક્કામાં યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જવામાં આવશે જ્યાં તેઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે.
જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે જણાવ્યું કે રાજય સરકાર છેવાડાના માણસ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી રહી છે. ત્યારે લોકોએ પોતાના બાળકના વજન, લોહી અને અન્ય બાબતો માટે જાગૃત થવું જોઇએ. તેમણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને સરકાર દ્વારા તદ્દન મફત સારવાર આપવામાં આવે છે, તેનો દરેક લોકોએ લાભ લેવો અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર બાળ આરોગ્ય પ્રત્યે કેટલી સંવેદનશીલ છે. રાજ્ય સરકાર બાળ આરોગ્યની પણ દરકાર કરી રહી છે. આણંદ જિલ્લાના જન્મજાત હૃદયરોગની ખામી ધરાવતા 79 બાળકોની હવે વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન હેમાબેન, મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ર્ડા. એમ.ટી.છારી, ડો. રાજેશ પટેલ તથા આરોગ્ય વિભાગના ર્ડાકટર્સ સહિત આરબીએસકે યોજના હેઠળના લાભાર્થી બાળકો તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.