આણંદ જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ માટે ગ્રામ્ય વિસ્તારના તળાવો ભાડે આપવામાં આવે છે. જે માટે આણંદ જિલ્લા મત્સ્યદ્યોગ વિભાગ દ્વારા દરવર્ષે મત્સ્ય ખેડૂતોને તળાવ ઇજાર પધ્ધતિ આપવામાં આવે છે. આ વખતે પ્રથમ તબક્કામાં 75 તળાવ માટે અરજી મંગાવી હતી. જેમાં 100થી વધુ અરજી આવી હતી. તેમાંથી 75 મત્સ્ય ખેડૂતોને ઇજારાનો હુકમ આપવા તેમજ મત્સ્યદ્યોગ થકી રોજગારી કેવી રીતે મેળવી શકાય તેમ સરકારી વિવિધ યોજનાઓની માહિતી આપવા માટે મત્સ્ય ખેડૂત શિબિર જિલ્લા ક્લકેટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. જિલ્લામાં મોટી સંખ્યામાં તળાવો ઉપલબ્ધ હોવાથી અનેક લોકોને મત્સ્યોદ્યોગ થકી રોજગારી મળી રહી છે. તેમણે શિબિરનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે, આવી શિબીરો થકી તાલીમ બધ્ધ થઈ ખેડૂતો વધુ ઉત્પાદન મેળવીને સારી આવક ઉભી કરી શકે છે.
આ શિબિરમાં તજજ્ઞો દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, ભાંભરા પાણીની યોજનાઓ તેમજ ઝીંગા-મત્સ્ય ઉછેરમાં કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય, ઝીંગા ઉછેર તળાવનું પોસ્ટર એક્વા કલ્ચર ઓથોરિટી હેઠળ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ, ઝીંગા ઉછેર માટેની પદ્ધતિ, ઝીંગા ઉછેર પ્રવૃત્તિમાં મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ સહાયની યોજના, તળાવ ઇજારા નીતિ અમલીકરણ, સરકારી યોજનાનો લાભ લેવા માટે આઈ- ખેડુત પોર્ટલ પર કેવી રીતે અરજી કરવી તેમજ માછીમાર જૂથ અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે નોંધણી કરાવવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં આણંદની મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા ૭૫ ખેડુતોને આપવામાં આવેલ મત્સ્ય ઉછેર માટેના તળાવ ઇજારાના હુકમનું ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.