આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રિજ નજીક લોટિયા ભાગોળ પાસે નવી પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવી રહી છે.ત્યારે પાણી પાઇપ લાઇન લીકેજની કામગીરી એક તરફની પૂર્ણ થતાં બુધવારે ધીમા પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવતાં વ્યાયામ શાળા, અમીન ઓટો સહિત જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતાં લોકોને રાહત થઇ હતી. પરંતુ જૂની ટાંકી વિસ્તારના 7 હજાર રહીશો પાણીથી વંચિત રહ્યા હતા.જો કે બે દિવસમાં ચામુડા મંદિર પાસે પાણીની પાઇપ લાઇનનું જોઇન્ટની કામગીરી પૂર્ણ થતાં બે દિવસમાં સમગ્ર શહેરમાં પૂરતા પ્રેશર પાણી મળી રહેશે તેમ આણંદ પાલિકાના વોટર વર્કસ વિભાગના ચેરમેને જણાવ્યું હતું.
આણંદ લોટિયા ભાગોળ પાસે પાણીની પાઇપ લાઇન જોઇન્ટની કામગીરી હાથધરવામાં આવી રહી છે. ત્યારે સોમવાર રાત્રિના પાઇપ લીકેઝ થવાથી સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની બૂમો ઉઠી હતી. જો કે આજે બુધવારે પાઇપ લાઇનની મરામતની કામગીરી પૂર્ણ થતાં ધીમા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
છતાં પણ શહેરના અમીન ઓટો વિસ્તાર, વ્યાયમ શાળા રોડ સહિત જુદી જુદી સોસાયટીઓમાં ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે લિકેજ થયાં બાદ લાંબા સમય સુધી મરામત નહીં થતાં આણંદના જૂની ટાંકી વિસ્તારમાં પાણી વિતરણ થઈ શક્યું નહતું. જેના પગલે સતત બીજા દિવસે 7 હજારથી વધુ રહીશો પાણી વિના ટટળ્યા હતા. પાલિકા દ્વારા આ વિસ્તારમાં ટેન્કરો દોડાવી પાણી વિતરણ કરવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.