આણંદમાં ધોધમાર વરસાદ:સવારે 4 કલાકમાં 7 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર નદી વહેતી હોય એવાં દૃશ્યો

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાં ધોધમાર વરસાદ, નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો. - Divya Bhaskar
આણંદમાં ધોધમાર વરસાદ, નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો.
  • આણંદ તાલુકામાં બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર દોઢ દિવસમાં 13 ઇંચ વરસાદ
  • જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીના ભરાવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન

આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય એમ જણાઈ રહ્યાં છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

વહેલી સવારથી આણંદમાં ધોધમાર વરસાદ.
વહેલી સવારથી આણંદમાં ધોધમાર વરસાદ.

ઠેર ઠેર પાણી ભરાતાં નાગરિકોને ભારે હાલાકી

બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં 13 ઇંચ જેટલો અધધધ વરસાદ ખાબકી ચૂક્યો છે. આણંદમાં વરસાદે મહેર કરી છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમને જ આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં નાગરિકોને ભારે હાલાકી ઊભી થઈ છે.

આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તા પર પાણી ભરાયાં.
આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તા પર પાણી ભરાયાં.

જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો

આણંદમાં ખબકેલા ધોધમાર વરસાદે નગરમાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું. આણંદ વિધાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સિનેમા ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા. જાહેર માર્ગો ઉપર પાણી હોઈ, રોજ સવારે નિયમિત ચાલવા નીકળતા નાગરિકોને હાલ ઘરે જ બેસી રહેવાનો વખત આવ્યો છે. જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો. ઘણા ઉત્સાહી નાગરિકો આ માહોલને માણવા ગાડી લઈ નીકળ્યા હતા. તો બીજી તરફ દૈનિક ધંધા-રોજગાર નોકરીએ જતા લોકો પણ આ કારણે અટવાઈ પડ્યા હતા.

આણંદમાં રસ્તાઓ પર પાણી ભરાયાં.
આણંદમાં રસ્તાઓ પર પાણી ભરાયાં.

સવારે 4 કલાકમાં 7 ઇંચ ખાબક્યો

આણંદમાં વરસાદી આગમનને કારણે નગરપાલિકાએ ચાલુ કરેલી પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસનાં કામોની ગતિ અવરોધાઈ છે. આણંદ જિલ્લાના આજે શુક્રવારે સવારના 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં 170 મિમી, પેટલાદમાં 48 મિમી અને ખંભાતમાં 22 મિમી, બોરસદ 15 મિમી, આંકલાવમાં 8 મિમી અને સોજીત્રામાં 4 મિમી, તારાપુરમાં 2 મિમી અને ઉમરેઠમાં 1 મિમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

હળવદના ચિત્રોડીમાં ગામમાંથી નદી વહેતી હોય એવાં દૃશ્યો.
હળવદના ચિત્રોડીમાં ગામમાંથી નદી વહેતી હોય એવાં દૃશ્યો.

હળવદના ચિત્રોડી ગામ ભારે વરસાદને પગલે ટાપુમાં ફેરવાયું
હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટયું હોય એવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતાં પળવારમાં ગામમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતાં સાંજે પરત ફરી રહેલા બે માલધારીનાં ઘેટાં- બકરાં પણ તણાઈ ગયાં હતાં. જોકે સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.

લાઠીના હરસુરપુર દેવળિયામાં બાઇક તણાયું.
લાઠીના હરસુરપુર દેવળિયામાં બાઇક તણાયું.

લાઠીના હરસુરપુર દેવળિયામાં નદીમાં પૂર આવ્યું, બાઈક તણાયું
અમેરલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે હરસુરપુર દેવળિયા, શેખપીપરિયા અને વાડળિયા ગામમાં પાણી ભરાયાં હતાં. હરસુરપુર દેવળિયાની સ્થાનિક નદીમાં પૂર આવતાં નદીના પાણી ગામમાં ઘૂસી ગયાં હતાં. જોકે ગામમાંથી વહેતા ધસમસતા પ્રવાહમાંથી અનેક વાહનચાલકોએ પસાર થવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન એક ટૂ-વ્હીલર તણાયું હતું. જોકે એમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરતા તેમનો આબાદ બચાવ થયો હતો.

નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાયાં.
નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાયાં.

નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
નવસારી જિલ્લામાં મેઘરાજા વહેલી સવારથી દે ધનાધન વરસતાં આજે ફરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના કાલિયાવાડી વિઠ્ઠલ મંદિર સ્ટેશન રોડ મુખ્ય શાકભાજી માર્કેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણીને લઈને ભરાઈ જતાં અહીંથી અવરજવર કરતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરતા જનજીવન પર અસર જોવા મળી હતી.