તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:SP યુનિવર્સિટી.માં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ રાઉન્ડમાં 61 ટકા બેઠકો ખાલી, 13 સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા લંબાવવામાં આવી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ રાઉન્ડમાં 61 ટકા બેઠકો હજુ ખાલી જોવા મળી રહી છે. જેને પગલે થોડાં સમય પહેલાં જ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા 13મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન અંડર ગ્રેજ્યુએટ કાર્યક્રમ અંતર્ગત બી.એ., બી.કોમ., બીબીએ, બીસીએ, બીએસડબલ્યુ, બીએસસી જેવા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. ગત 15મી ઓગસ્ટથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 31મી ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો.

જોકે, પ્રથમ રાઉન્ડમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, કુલ 23957 બેઠક પૈકી માત્ર 39 ટકા બેઠકો જ એટલે કે 9312 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. યુનિવર્સિટીનો અણધડ વહીવટ ગણો કે પછી કોરોના સંક્રમણની ભીતિ ગણો પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે, પ્રથમ રાઉન્ડ બાદ 61 ટકા બેઠકો ખાલી છે.

બીએમાં 7513 બેઠક પૈકી 2953 વિદ્યાર્થીઓએ, બીકોમમાં 7281 પૈકી 3216, બીએસસીમાં 5885 પૈકી 1897, બીસીએમાં 1320 પૈકી 622, બીબીએ (જનરલ)માં 858 પૈકી326, બીબીએ (આઈએસએમ)માં 242 પૈકી 107, બીબીએ (આઈટીએમ)માં 264 પૈકી 129, બીએસડબલ્યુમાં 330 પૈકી 15, બીએમટીમાં 176 પૈકી 51 અને બીઓક્યુથેરામાં 88 પૈકી 12 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

100 ટકા પરિણામ બાદ વિદ્યાર્થીઓ અન્ય કોર્સ તરફ વળ્યા હોય એમ બની શકે
પ્રથમ રાઉન્ડની આ સ્થિતિ છે, એ ફાઈનલ નથી. આ વખતે 100 ટકા માસ પ્રમોશન મળ્યું છે એટલે બની શકે કે વિદ્યાર્થીઓએ અન્ય અભ્યાસક્રમો તરફ વળ્યા હોય. આ ઉપરાંત સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ગણતરીમાં લેવાઈ નથી. ફાઈનલ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય. આ ઉપરાંત રાજ્યની અન્ય યુનિવર્સિટીની કોલેજોમાં પરિણામ બાકી હોય હાલ પ્રવેશની તારીખ લંબાવવામાં આવી છે. - જ્યોતિબેન તિવારી, ઈન્ચાર્જ રજિસ્ટ્રાર, SPયુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...