કાર્યવાહી:ફાયર સેફ્ટી વિનાના રોશન પ્લાઝાની 57 દુકાનો સીલ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક દિવસના વિરામ બાદ ફાયરબ્રિગેડ ફરી સક્રિય
  • બિલ્ડરોની બેદરકારીનો ભોગ વેપારી બનતા હોવાની સૂર

આણંદ શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરતા દુકાનદારો અને કોમ્પલેક્ષ ધારકો સામે એકાએક ત્રણ દિવસથી સીલ મારવાની કાર્યવાહી તંત્રએ એકાએક બંધ કરી દીધી હતી.ત્યારે શુક્રવારે આળશની ધુળ ખંખેરી હોય તેમ આણંદમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનાર સ્ટેશન રોડ પર આવેલ રોશન પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી કુલ 57 જેટલી દુકાનોને નોટિસ ફટકારીને સીલ કરી દીધી હતી. રોશન પ્લાઝા કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી શરૂ કરતાની સાથે દુકાનદારોએ દુકાનમાંથી માલ સામાન બહાર કાઢવા માટે રીતસરની નાસભાગ મચાવી દીધી હતી.આખરે દુકાનદારોએ બાહેધરી આપવામાં આવી હોવાથી ફાયર સેેફટીના સાધનો બેસાડવાની કામગીરી શરૂ કરતાની સાથે દુકાનોના સીલ દુર કરી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

આણંદ, વિદ્યાનગર સહીત કરસમદમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરાતાં નોટિસ રિજિયોનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રિવનેશન સર્વિસીસના વડી કચેરીના હુકમ પત્રના આધારે આણંદ સ્ટેશન રોડ આવેલી રોશન રોશન પ્લાઝા કોમ્પલેક્ષમાં તમામ દુકાનદારોને વારંવાર નોટીસ ફટકારવામાં આવતી હતી.

છતાંય તંત્રની અવગણના કરવામાં આવતી હોવાથી આખરે શુક્રવારે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનાર 57 દુકાનોને નોટીસ ફટકારીને સીલ કરી દેવામાં આવી હતી.આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષમાં ચેકીંગ હાથ ધરીને સીલ મારીને નળ કનેકશનના જોડાણ કાપી નાંખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તંત્ર ધ્વારા કોમ્પલેક્ષ બનાવવા માટે આડેધડ રીતે મંજુરી આપવામાં આવે છે.અને બિલ્ડરોના પાપે નાના દુકાનદારોનો મરો થઈ રહ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...