આણંદ જિલ્લામાં ધો.10 અને ધો.12ના 53,534 વિદ્યાર્થીઓની પરીક્ષાનો 14મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ વિદ્યાર્થીઓમાં બે વરસ પહેલા માસ પ્રમોશન લેનારા એસએસસીના વિદ્યાર્થી હવે એચએસસીની પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ ગેરરીતિ ન કરે અને ખાસ કરીને સુપરવાઇઝર પર તેનું ખાસ ધ્યાન રાખે તે અંગે તાકીદ કરવામાં આવી હતી.
આણંદમાં એસસસી અને એચએસસીની પરીક્ષાનો 14મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓ માટેના સુચારૂ આયોજન અંગે આણંદ કલેકટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ આગામી 14મી માર્ચથી શરૂ થઈ રહેલી એસએસસી / એચએસસીની બોર્ડ પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ બેઠકમાં કલેકટરે પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા ઉપસ્થિત સર્વેને બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પરીક્ષાઓનું આયોજન થાય, શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેની અજ્ઞાનતાના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવા સુચન કરવામાં આવ્યું હતું.
આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીએ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં મોબાઈલ લઇને પ્રવેશ ન કરે તેમજ પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજપુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી. વધુમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરવા અને પરીક્ષા સંબંધી તમામ ગાઇડલાઇનનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ સંબંધિતોને સૂચના આપી હતી. આ બેઠક દરમિયાન પરીક્ષાનાં એક દિવસ અગાઉથી સવારે 7થી રાત્રિના 8 કલાક સુધી જિલા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જિલ્લામાં લેવામાં આવનારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાલક્ષી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં 14મીથી શરૂ થનારા ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓ પૈકી ધો.10ની પરીક્ષામાં 32,136 વિદ્યાર્થીઓ, ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 16,485 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4,923 વિદ્યાર્થીઓ મળી કુલ 53,534 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.