માથાભારે શખ્સો જેલ ભેગા:આણંદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરનારા 5 શખ્સોની ધરપકડ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ટીમ ઢોર પકડી ડબ્બા પુરતા હતા તે સમયે હુમલો કર્યો હતો

આણંદ પાલિકા દ્વારા શહેરમાં ઢોર પકડી ડબ્બે પુરવા માટે ભાવિન વિઠ્ઠલભાઈ પરમારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કામગીરીના ભાગરૂપે શનિવારના રોજ પાલિકાના કર્મચારી પ્રફુલભાઈ પંડ્યાને ચીફ ઓફિસર દ્વારા ઢોર પકડવાની વિશેષ જવાબદારી સોંપી હતી. જેથી પ્રફુલભાઈ પંડ્યા, અશ્વિનભાઈ પારવાણી, ચેરમેન મહેન્દ્રભાઈ મથુરભાઈ સોલંકી સહિતની ટીમ નિકળી હતી. જેમાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તા પરથી બે ગાય મળી આવતા તેને પકડી નજીકના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના કમ્પાઉન્ડ લઇ ગયાં હતાં. આ સમયે ત્યાં જીગ્નેશ ગોવિંદ રબારી (રહે.રબારીવાસ, સાંઇબાબા મંદિર પાછળ, આણંદ) ધસી આવ્યો હતો અને પ્રફુલભાઈને લાફા ઝીંકી દીધાં હતાં. આ ઉપરાંત ચરણ રબારી (ઠુંઠીયો)એ દાદાગીરી કરી બાંધેલી ગાય છોડી લઇ જતાં હતાં. જોકે, આકાશ પરમારને તેને રોકતાં ચરણ રબારી તથા જીગ્નેશ રબારીએ તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં.

પાલિકાની ટીમ પર હુમલો કર્યો હતો
મહત્વનું છે કે આ બબાલમાં જેરીયો રબારીએ ચેરમેન મહેન્દ્રભાઈને અપશબ્દ બોલી જતો રહ્યો હતો. થોડી વારમાં ચરણ રબારી (ઠુંઠીયો), દેવાંગ ઉર્ફે કાળો રબારી, પશુપાલક મહિલા લાકડી સાથે દોડી આવ્યાં હતાં અને કોન્ટ્રાક્ટરના માણસ અશોક પરમાર પર હુમલો કરી મારવા લાગ્યાં હતાં. જેમાં અશોકભાઈને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં પડ્યાં હતાં.

પાંચેયની ધરપકડ કરી
આ અંગે પ્રફુલભાઈ પંડ્યાની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે પશુપાલક મહિલા, દેવાંગ ઉર્ફે કાલો રબારી, ચરણ રબારી (ઠુંઠીયો), જેરીયો રબારી, જીગ્નેશ ગોવિંદ રબારી (રહે. તમામ સાંઇબાબા મંદિર પાછળ, રબારીવાસ, આણંદ) સામે ગુનો નોંધી મંગળવારના રોજ પાંચેયની ધરપકડ કરી સબજ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...