ત્રિપલ અકસ્માત:આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ટક્કર, માતા અને બે પુત્રીઓ સહિત 6 લોકોનાં મોત

આણંદ2 મહિનો પહેલા
  • અકસ્માત સર્જનાર કાર ચાલક સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઈ હોવાનું ખૂલ્યું
  • આજે રક્ષાબંધનના તહેવાર પર જ 6 લોકોના મોત નિપજતા પરિવારજનો પર આભ ફાટ્યું

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર, રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ 6ના મોત નિપજ્યાં હતાં. જેમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ અંગેની જાણ થતાં સોજિત્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે અકસ્માતમાં માતા અને બે પુત્રીના મોતથી ગમગીની છવાઇ ગઇ હતી. તેઓ રક્ષાબંધન કરવા ગયાં હતાં અને પરત ઘરે ફરતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જનાર કાર ચાલક કોંગ્રેસના સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કૌટુંબિક જમાઇના હોવાનું ખુલ્યું છે.

અકસ્માતના કારણે હાઈવે લોકોની મરણચીંસોથી ગુંજી ઉઠ્યો
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ગુરૂવારની મોડી સાંજે જબરજસ્ત અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે જતા કાર, બાઇક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં કુલ 6 વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસને જાણ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોક પરમાર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ચારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, તે દરમિયાન મોત નિપજ્યાં હતાં.

ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલા બહેન અને તેની બે પુત્રીઓના મોત
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સોજિત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીના પરિવારજનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીંબા ગામે ગયાં હતાં. તેઓ ત્યાંથી પરત સોજિત્રા આવવા માટે યાસીન મોહમદભાઈ વ્હોરાની રીક્ષામાં નિકળ્યાં હતાં. તેઓ તારાપુર - આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતાં હતાં તે સમયે ટીંબા ગામ પાસે અચાનક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે, રીક્ષા ચાલક યાસીન વ્હોરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિપુલભાઈના પત્ની વિણાબહેન મિસ્ત્રી (ઉ.વ.44) અને તેમની બે દિકરી જાનવી અને જીયાને ગંભીર ઇજા પહોંચી હતી.માતા અને બંને પુત્રીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ
આ ઉપરાંત અકસ્માતમાં હડફેટે ચડેલી બાઇક સવાર બે વ્યક્તિ પણ ઘવાયાં હતાં. આ અકસ્માતમાં કાર રસ્તા પરથી ઉતરી નજીકના ખેતરમાં ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં યાસીનભાઈ સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય વ્યક્તિ ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વધુ ચારના મોત નિપજ્યાં હતાં. આમ આ ઘટનામાં કુલ છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો, કોની બેદરકારીથી સર્જાયો ? તે અંગે સોજિત્રા પોલીસે તપાસ હાથ ધરી છે. મોડી રાત સુધીની તપાસમાં આ અકસ્માત કાર ચાલક કેતન પઢીયારની બેદરકારીથી સર્જાયો હતો. જે સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કુટુંબી જમાઇ છે. હાલ પોલીસે તેમની સામે માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનારા

  1. યાસીન મોહમદભાઈ વ્હોરા (ઉ.વ.38)
  2. વિણાબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.44)
  3. જાનવીબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.17)
  4. જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.14)
  5. યોગેશકુમાર રાજેશભાઈ ઓડ (ઉ.વ.20, રહે. બોરિયાવી)
  6. સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ (ઉ.વ.19, રહે. બોરિયાવી).

કારમાં એમએલએ ગુજરાત લખેલી પ્લેટ મળી આવી
ડાલી પાસે ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. જેમાં સવાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ કારની તલાસી લેતા તેમાંથી એમએલએ ગુજરાત લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ કાર સોજિત્રા ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઇ કેતન પઢીયારની હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...