બાળમજૂરી:તારાપુરની કાઠિયાવાડી હોટલમાંથી 5 બાળમજૂરોને મુક્ત કરાયા, હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

તારાપુરમાં આવેલી કાઠીયાવાડી હોટલમાં કામ કરતાં પાંચ બાળમજૂરને મુક્ત કરવામાં આવ્યાં હતાં. આ બાળમજૂરો મૂળ રાજસ્થાનના હોવાનું ખુલ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે શ્રમ અધિકારીની ફરિયાદ આધારે હોટલના સંચાલક સામે ગુનો નોંધ્યો હતો.

તારાપુર મામલતદારને ફરિયાદ મળી હતી કે, તારાપુરના કસ્બારા ખાતે બળદેવ કાઠીયાવાડી (ચોટીલાવાળા) હોટલ પર બાળમજૂરો કામ કરી રહ્યા છે. આ અંગે મામલતદારે શ્રમ અધિકારી પી.એન. નિનામાને જાણ કરતાં તેઓએ ટીમ બનાવી શનિવારના રોજ હોટલ બળદેવ કાઠીયાવાડી (ચોટીલાવાળા) પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં હોટલમાં કુલ પાંચ બાળ શ્રમિક મળી આવ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તે રાજસ્થાનના વિવિધ ગામના હોવાનું અને તેમની ઉંમર 12થી 14 વર્ષની જાણવા મળ્યું હતું. આ તમામ બાળ મજુરોને મુક્ત કરવામાં આવ્યાં હતાં અને હાલ તેમને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

આ અંગે હોટલ બળદેવ કાઠીયાવાડી (ચોટીલાવાળા)ના માલીક અને ભોગવટો ધરાવતા વ્યક્તિ લીંબા રેવાભાઈ ગમારાની પુછપરછ કરવામાં આવી હતી અને તેની સામે બાળમજુરીના કાયદાની વિવિધ અલગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...