આણંદ શહેરની ગણેશ ચોકડી પર આવેલા સ્વસ્તિક વાટીકા મેરેજ હોલમાં ચાલતા લગ્ન સમારંભમાં ઘુસેલા ટેણિયાએ દાગીના ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી. આ બેગમાં 4.50 લાખના દાગીના અને રોકડા રૂ.15 હજાર હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદના ગામડી ગામે આવેલી રાધા સ્વામી સોસાયટીમાં રહેતા શ્વેતલબહેન આશિષકુમાર કાટવાળા હાલ શિકાગો ખાતે સ્થાયી થયાં છે. તેમની પુત્રી માર્ગી (ઉ.વ.25)ના 5મી જાન્યુઆરી,2023ના રોજ સ્વસ્તિક વાટીકા મેરેજ હોલમાં લગ્ન રાખ્યાં હતાં. જે સંદર્ભે સ્વસ્તિક વાટીકા મેરેજ હોલમાં રાત્રિના લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં દીકરીને આપવા માટે રોકડ, સોના- ચાંદીના દાગીના એક લેધર પર્સમાં મુકી શ્વેતલબહેને તેની બહેન શિતલબહેન રાજેશકુમાર શાહ (રહે.અમેરિકા)ને સાચવવા માટે આપી હતી. આ પર્સમાં સોનાની લકી, રીંગ, જુડો, નેકલેસ, પેન્ડલ મળી કુલ 4.50 લાખના દાગીના અને રોકડા રૂ.15 હજાર હતાં. દરમિયાનમાં માયરાની વિધિ શરૂ થતાં તમામ મહેમાનો વિધિમાં જોડાયાં હતાં. તે સમયે શિતલબહેન પણ પર્સ માયરામાં મુકી ઉભા હતાં. જોકે, થોડા સમય બાદ પર્સ માંગતા તે ક્યાંય જોવા મળ્યું નહતું. જેથી શોધખોળ હાથ ધરી હતી. આથી, સીસીટીવી અને વિડીયોગ્રાફી જોતા આશરે દસેક વર્ષનો છોકરો દાગીના ભરેલું પર્સની ઉઠાંતરી કરી બહાર બીજા વ્યક્તિને આપી દેતો હોવાનું દેખાયું હતું. બાદમાં બન્ને જણા જતાં રહે છે. બન્ને જણાની શોધખોળ કરવા છતા મળી આવ્યાં નહતાં. આખરે આ અંગે પોલીસના ફરિયાદ આપતા પોલીસે 4.65 લાખની મત્તાની ચોરી સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.