• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 41 Women Including Women Depot Managers Providing Service In Anand ST Division, A Prime Example Of Women Empowerment In Anand District

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:આણંદ એસટી વિભાગમાં સેવા પૂરી પાડતી મહિલા ડેપો મેનેજર સહિત 41 મહિલા, આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણનુ આગવું ઉદાહરણ

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મહિલા વિકાસમાં અનેક આયામો સર કરાયા છે. આજે સરકારના વિવિધ વિભાગોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે.આજની શિક્ષિત મહિલાઓ તેમની પારિવારીક અને સામાજિક ફરજની સાથે સરકારી ફરજ પણ સુપેરે નિભાવી રહી છે. અત્યાર સુધી પુરૂષોનુ પ્રભુત્વ ધરાવતા વિવિધ વિભાગો મા પણ મહિલાઓ પુરૂષ સમોવડી બની તેમની સાથે ખભે ખભા મિલાવી વિપરિત પરિસ્થિતીમાં પણ નિષ્ઠાથી ફરજ અદા કરી રહી છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના નડિયાદ વિભાગ હેઠળ કાર્યરત આણંદ એસટી ડેપોમાં આજે 40 મહિલા કંડક્ટર અને એક ડેપો મેનેજર સહિત કુલ 41 મહિલાઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી એસટી બસમાં મુસાફરી કરતા લોકોને કોઇ પણ અગવડતા ન પડે તે માટેની પોતાની જવાબદારીઓ બખૂબી નિભાવી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડી રહી છે.

મજબૂત મનોબળથી જ કાર્ય સિધ્ધ થાય છે
આણંદ એસટી ડેપોમાં છેલ્લા 5 વર્ષથી પોતાની ફરજ નિભાવતા મહિલા કંડક્ટર હિરલબેન પટેલ જણાવે છે કે મેં માસ્ટર ઓફ આર્ટ્સ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ષ 2015માં કંડ્ક્ટર તરીકે ફરજ પર હાજર થઈ ત્યારે મનમાં એક ડર હતો કે શું હું આ કાર્યને ન્યાય આપી શકિશ કે નહિ! તેમજ શરૂઆતમાં મારા ઘરના લોકોને પણ થોડો સંકોચ થયો હતો કે હું એક છોકરી થઈને કંડ્ક્ટરની જવાબદારી કેવી રીતે નિભાવી શકિશ પરંતુ આજે મારા પરિવારના સૌને મારી પર ગર્વ છે. વધુમાં હિરલબેન કહે છે કે જ્યારે સવારે પોતાની સાત વર્ષની દીકરીને ઘરે મૂકી ફરજ પર નિકળે છે ત્યારે એક મા તરીકે એ બિલકુલ સહજ નથી હોતું પણ દરેક જવાબદારીને નિભાવવી એજ સૌથી મોટી જરૂરીયાત છે. આજે પણ કામમાં ઘણી વખત એવુ થઈ જાય જ્યારે કેટલીક મૂંઝવણ ઉભી થાય ત્યારે વિભાગનો સહકાર મળતાં મૂંઝવણ ઉકલી જાય છે. હું દરેકને એટલું જ કહેવા માંગુ છુ કે મને સમય જતાં સમજાયું કે એક સ્ત્રી જો પોતાના મનોબળને મજબૂત રાખે તો તેને હમેશા દરેક કાર્યમાં સફળતા મળે જ છે.

દીકરીઓને શિક્ષિત અને પગભર થવામાં પરિવાર સહકાર કરે
આવી જ રીતે આણંદ ડેપોમાં ફરજ બજાવતાં અન્ય એક મહિલા કંડક્ટર સંગીતાબેન ઝાલા કહે છે કે હું એસટી બસ સેવામાં સાત વર્ષથી કંડક્ટર તરીકે કાર્યરત છું જે પૈકી છેલ્લા ચાર વર્ષથી હું આણંદ ડેપોમાં ફરજ બજાવું છું. મારા પરિવારમાં હું મારા પતિ અને અમારી દીકરી અમે ત્રણ છીએ. ઘણીવાર ફરજના સમયની સાથે પારિવારીક જવાબદારીઓ નિભાવવી થોડુ મુશ્કેલ હોય પરંતુ મારા પતિના સપોર્ટના લીધે હું દરેક જવાબદારી નિભાવવામાં સંતુલન જાળવી લઉ છું. વધુમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાત કરતા સંગીતાબેને કહ્યુ કે એવી દરેક મહિલા કે જે ઘરની જવાબદારીઓની સાથે જોબ પણ કરે છે અને પોતાના બાળક-પરિવારની સંભાળ રાખે છે એ બધી જ મહિલાઓ મહિલા સશક્તિકરણનુ ઉદાહરણ છે અને હું તમામ માતાપિતા ને સૂચન કરૂ છું કે તેઓએ તેમની દીકરીઓને ભણાવવી જોઇએ અને તેમને પગભર થવામાં સહકાર આપવો જોઇએ.

શિક્ષિત દીકરી પરિવાર જ નહીં સમાજનું ગૌરવ છે
આવી જ કઈક વાત છે આશાબેન બારીઆની છે. આશાબેન કુલ સાડા પાંચ વર્ષથી મહિલા કંડ્કટરની કારકિર્દી પૈકી આઠ મહિનાથી આણંદ ડેપોમાં જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે મહિલા કંડ્કટર તરીકે જવાબદારી નિભાવતા સમયે મને જે પણ નાની મોટી તકલીફ આવે તેને દૂર કરવામાં ડેપોના અધિકારી અને સ્ટાફ ખૂબજ સહકાર આપે છે. અહિયા દરેક મહિલા કંડ્ક્ટરના સમય અને સંજોગોને ધ્યાનમાં લઈને શિફ્ટનુ સમયપત્રક બનાવવામાં આવે છે જેથી દરેક મહિલા કંડ્કટર વિભાગ માટે આભારની લાગણી અનુભવે છે. હું સાડા ત્રણ વર્ષની એક દીકરીની મા છું અને મારી દીકરીને હું ફરજ પર હોઉ ત્યારે મારી સાસુમા અને પતિ સાચવે છે. મારી દીકરી હું સાથે ના હોઉ તો એ સરખુ જમતી અને સૂતી નથી ત્યારે મને એની સતત ચિંતા રહે છે પરંતુ કામને પ્રાધાન્ય આપીને હું મારી ફરજ બજાવુ છું.વિશ્વ મહિલા દિવસે હું એટ્લુ જ કહીશ કે જો દીકરીને યોગ્ય શિક્ષણ આપવામા આવે અને તેની આવડત પર વિશ્વાસ કરવામા આવે તો દીકરી ચોક્કસ પોતાના પરિવારને જ નહિ પણ આખા સમાજને ગૌરવ અપાવવાનુ કાર્ય કરી શકે છે.

પોતે દરેક કાર્ય કરવા માટે સશક્ત છે તેમ માનવુ પડશે
આણંદમાં ડેપોમાથી ઉપડતી તમામ બસોના સરળ સંચાલનની જવાબદારી સંભાળતા ડેપો મેનેજર રીનાબેન દરજીએ પોતાના એક મહિલા ડેપો મેનેજર તરીકે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં જણાવે છે કે હું અભ્યાસે એક ઓટોમોબાઇલ એન્જીનીઅર છું. વર્ષ 2011 થી ગુજરાત રાજ્ય માર્ગ પરીવહન નિગમમાં ડેપો મેનેજરની પોસ્ટ પર જોડાયા બાદ મેં અત્યાર સુધીમાં અનુભવ્યું છે કે છેલ્લા 12વર્ષમાં મહિલાઓ માટે ઘણા બધા સકારાત્મક પરિવર્તન આવ્યા છે. એક મહિલા તરીકે એવા ક્ષેત્રમાં આવવું કે જ્યાં પહેલાથી પુરૂષોનું પ્રભુત્વ રહ્યુ હોય એ થોડુક મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ શક્ય અવશ્ય છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારે તમામ મહિલાઓને અને દીકરીઓને કહેવુ છે કે તેઓએ હમેશા પોતાની પર અતૂટ વિશ્વાસ કેળવવો પડશે અને પોતે દરેક કાર્ય કરવા માટે સશક્ત છે તેમ માનવુ પડશે. કારણ કે જ્યારે તમે પોતાના સપનાઓ અને પોતાની જાત પર વિશ્વાસ કરો છો ત્યારે તમે પોતાની માટે સંભાવનાઓના નવા દ્વાર ખોલી લ્યો છો. વધુમાં હું દરેક મા-બાપ ને એટલું જ કહીશ કે તમારી દીકરીને ભણાવો અને એને આત્મનિર્ભર બનવામાં સહકારરૂપ બનો. નોંધનીય છે કે આજના આધુનિક યુગમાં મહિલાઓ જાગૃત, શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બની રહી છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓ સંપૂર્ણ નિષ્ઠાથી પોતાના ફરજરૂપી કર્મયજ્ઞ દ્વારા અન્ય અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...