વડોદરામાં રહેતા ડ્રેસ ડિઝાઇનર મહિલાને સોનાના સિક્કા સસ્તામાં આપવાનું કહી રૂ.41 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે આ ગેંગના સભ્યને પોલીસે પકડી પાડી પુછપરછ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
વડોદરાના કારેલીબાગ ખાતે સંજય પાર્ક સોસાયટીમાં રહેતા અર્ચનાબહેન જશવંતભાઈ મકવાણા ડ્રેસ ડિઝાઇનનો વ્યવસાય કરે છે. તેઓને 2જી નવેમ્બર,21 પહેલા મોહન નામના માણસે મોબાઇલ પર જુના જમાનાના સોનાના સિક્કાઓ આશરે પંદરેક કિલો જેટલા આપવાની લાલચ આપી હતી. આથી, અર્ચનાબહેન અને તેમના માતા વિમળાબહેન 2જી નવેમ્બર,21ના રોજ વાસદ - સારસા રોડ પર ગેંગને મળ્યાં હતાં. જ્યાં મોહન, એક અજાણ્યો પુરૂષ અને એક સ્ત્રીને મળ્યાં હતાં.
આ સમયે અર્ચનાબહેને રૂ.41 લાખ શખ્સોને આપ્યાં હતાં અને તેઓએ સિક્કા બન્નેને આપ્યાં હતાં. બાદમાં અર્ચનાબહેન અને વિમળાબહેન સિક્કા લઇ સોની પાસે ગયાં તે સમયે તે ખોટા પીળા કલરના ધાતુના સિક્કા હોવાનું જાણતાં ચોંકી ગયાં હતાં. આથી, તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તેઓએ વાસદ પોલીસ મથકે મોહન સહિત ત્રણ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, જે તે સમયે આ ગેંગના કેટલાક સભ્ય પકડાઇ ગયાં હતાં. પરંતુ ગેંગનો સભ્ય લક્ષ્મણ હિરાજી રાઠોડ (મારવાડી) વોન્ટેડ હતો.
આ શખસ મધ્યપ્રદેશમાં છુપાયેલો હોવાની બાતમી મલતાં વાસદ પોલીસની ટીમ મધ્ય પ્રદેશ પહોંચી હતી અને લક્ષ્મણને શોધી પકડી પાડી આણંદ લાવ્યાં હતાં. જ્યાં જરૂરી કાર્યવાહી બાદ કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આ રિમાન્ડ દરમિયાન તેની પાસે રહેલી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવા પુછપરછ હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.