ખંભાતના યુવક સાથે ડેટા એન્ટ્રીના નામે કામ અપાવવાના બહાને રૂપિયા 44 હજારની છેતરપિંડી કરનારા સુરતના ચાર શખસોને આણંદ સાઈબર સેલે સુરતથી ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે ઝડપી પાડેલા 4 શખસમાં વિકી જયેશ શાહ, અશોક ભગવાન વિસાવે, જયેશ શામ પાટીલ અને આકાશ બાબુ બેડસેનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી બે-બે લેપટોપ, કમ્પ્યુટર સીસ્ટમ, 19 મોબાઈલ, 02 રાઉટર મળી કુલ રૂપિયા 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શખસો કબુલાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ ડેટા એન્ટ્રીના નામે નોકરી આપતી સાઈટ ક્વીકર ડોટ કોમ પરથી ડેટા લઈને યુવકોનો સંપર્ક કરતા હતા અને એ પછી ફોર્મમાં તથા સમય પ્રમાણે કામ ન આપીને પેનલ્ટીના રૂપે પૈસા પડાવતા હતા.
વધુમાં જો કોઈ પૈસા ન અાપે તો તેને બનાવટી કોર્ટની નોટિસ પણ ફટકારતા હતા. જોકે, આણંદ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાં કોઈની સાથે આ પ્રકારનો બનાવ બન્યો છે કે કેમ તેની તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.