આજે અખાત્રીજ:ચરોતરમાં 38 કિલો સોનું વેચાવાની આશા, 10 ગ્રામ સોનાનાં 58 હજાર ભાવ લેખે 20.14 કરોડના વેચાણનો અંદાજ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાના દાગીનાનો 1 તોલાનો ભાવ રૂ.47600, લગડીનો ભાવ રૂ.53000
  • અખાત્રીજના પર્વે 300થી વધુ લગ્ન સમારોહ સહિત વિવિધ સામાજીક પ્રસંગો
  • ખેડૂતો અખાત્રીજે ચોમાસુ સિઝનની તૈયારીના ભાગરૂપે ઓજારોની પૂજા કરશે

અક્ષય તૃતિયા જેને અખાત્રીજ કહેવાય છે. આ પવિત્ર દિવસે સોના-ચાંદીના દાગીના, વાહનો કે અન્ય સામગ્રી ખરીદવાનો મહિમા છે. તેમજ અખાત્રીજથી વૈશાખી લગ્ન સિઝનનો પ્રારંભ થતો હોય છે. જેથી સોનાની ખરીદી અખાત્રીજે વધુ થતી હોય છે. ચાલુ વર્ષે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. 2500નો ઘટાડો થયો છે. તેના કારણે સોનું વધુ વેચાવવાની સંભાવના છે.

આણંદ-ખેડા જિલ્લામાં થઇને 19 કરોડ ઉપરાંત સોનું અંદાજે 38 કિલો વેચાવાની આશા સોની બજાર સૂત્રો જણાવ્યું છે. આ ઉપરાંત અખાત્રીજના દિવસે લગ્ન માટે આખો દિવસે શુભ મુહૂર્ત હોવાથી ચરોતરમાં 300થી વધુ લગ્ન સમારોહ યોજાશે. સાથે સાથે ખેડૂતો અખાત્રીજના દિવસે ખેતીના ઓજારોની પૂજા કરીને ચોમાસુ સિઝનની તૈયારી આરંભી દેશે. દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા વાળી તિથિ એટલે અખાત્રીજ ગણાય છે. જેથી તેનો મહિમા અનેરો છે.

અખાત્રીજે તમામ પાર્ટીપ્લોટ, વાડી, કેટરર્સ, ડેકોરેટર્સ બુક
અખાત્રીજના પાવન દિવસે શુભમુહૂર્ત હોવાથી મોટી સંખ્યામાં લગ્ન સમારોહ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાઇ છે. અખાત્રીજના દિવસ માટે આણંદ -ખેડા જિલ્લાના તમામ પાર્ટી પ્લોટ, વાડીઓનું બુકીંગ થઇ ગયું છે. તેમજ કેટરર્સ-ડેકોરેટર્સને બબ્બે ત્રણ ત્રણ ઓર્ડર મળ્યા છે. ઉમરેઠના કેટરર્સના જણાવ્યા પ્રમાણે ચરોતરમાં 300 વધુ લગ્નો સહિત સામાજીક કાર્યક્રમો યોજાશે.

આણંદ જિલ્લામાં 20 કિલો સોનું વેચાવાની આશા
દર વર્ષે અખાત્રીજ પર 15 થી 18 કિલો સોનું વેચાઇ છે. બે વર્ષથી કોરોનાકાળમાં સોનાનું વેચાણ ઘટયું હતું. જયારે ચાલુ વર્ષે સોના ભાવમાં ઘટાડો થયો છે. રૂા 2500 ઘટ્યા હોવાથી વધુ સોનુ વેચાશે. જેથી 20 કિલો સોનું આણંદ જિલ્લામાં વેચાશે. - નિલય સોની, ઝવેરાત જવેલર્સ, આણંદ

એક સપ્તાહમાં સોના ભાવમાં રૂ.2500 ઘટતાં વેચાણ વધુ થશે
એક માસ અગાઉ સોનાની લગડીના ભાવ રૂ.55800ની આસપાસ હતા. જેમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રૂ. 2500 ઘટયા હોવાથી હાલ લગડી 53000 હજાર વેચાય છે. જયારે દાગીના 47 થી 48 હજારના ભાવે વેચાઇ રહ્યાં છે. જેથી અખાત્રીજના દિવસે વધુ સોનું વેચાશે.- ઘનશ્યામભાઇ સોની, પ્રમુખ જ્વેલર્સ,ગામડીવડ, આણંદ

અન્ય સમાચારો પણ છે...