અર્જુનસિંહે મુલાકાત લીધી:બોરસદના ઝાકરિયાપુરામાં 368 ગોબર ગેસનો પ્લાન્ટ કાર્યરત

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુજકુવા ખાતે ગોબર ગેસની રબડી (સ્લરી)માંથી બનતા ખાતરના એકમમાં પણ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન

બોરસદના ઝાકરિયાપુરા ગામે 368 ગોબર ગેસ પ્લાન્ટ આવેલા છે અને તેમાંથી નીકળતી સ્લરી (રબડી) માંથી મુજકુવા ખાતે ઓર્ગેનિક ખાતર બનાવાય છે. ગોબર ગેસના પ્લાન્ટથી ગ્રામજનોનું જીવનધોરણ બદલાઇ ગયું છે અને ઇંધણના ખર્ચમાં બચત પણ થઇ રહી છે.

રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે તાજેતરમાં બોરસદ તાલુકાના ઝાકરિયાપુરા ગામની મુલાકાત લઇ ગામમાં ચાલતા ગોબર ગેસ પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે તેનું પ્રત્યક્ષ નિરક્ષણ કર્યું હતું. તેમને અપાયેલી જાણકારી મુજબ ગોબર ગેસમાંથી જે સ્લરી નીકળે છે તે આંકલાવ તાલુકાના મુજકુવા ખાતે સખી ખાદ સહકારી મંડળી લિ. દ્વારા દર ત્રણ-ચાર દિવસે અહીંથી લઇ જવામાં આવે છે. જયાં મુજકુવા ખાતે આ ગોબર ગેસની સ્‍લરી (રબડી)માંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું હોવાની જાણકારી આપી હતી.

મંત્રી ચૌહાણે ગોબર ગેસ પ્લાન્ટની મુલાકાત લીધા બાદ ગામની બહેનો સાથે કરેલા સંવાદમાં જણાવાયું હતું કે, ગોબર ગેસ માટે બનાવવામાં આવેલ સખી ખાદ સહકારી મંડળીમાં હાલ 11 બહેનો કાર્યરત છે. અને સમગ્ર ગામમાં 368 ગોબર ગેસ પ્લાન્ટ આવેલા છે. મહિલાઓએ એમ પણ કહ્યું હતું કે, ગોબર ગેસના કારણે ગેસની બોટલના નાણાંની બચત થવાની સાથે લાકડા વીણવા કે લાકડાં લેવા નથી જવું પડતું તેટલું જ નહીં પણ અમને ધુમાડામાંથી પણ છૂટકારો મળ્યો છે અને વર્ષે 10 થી12 હજાર રૂપિયાની બચત થવા પામી છે. જયારે ગોબર ગેસના પ્લાન્ટમાંથી જે સ્‍લરી થાય છે તેમાંથી પણ અમને 3 થી 4 હજારની આવક મળી રહે છે. એક ગોબર ગેસ પ્‍લાન્‍ટ ઉભો કરવા માટે રૂા. 24 હજારનો ખર્ચ થાય છે જેમાંથી 50 ટકા મહિલાએ ચૂકવવાના હોય છે જયારે 50 ટકા સબસીડી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ચૂકવે છે. જયારે જે ઘરમાં પશુઓ હોય તે જ ઘરમાં ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ વિકાસ મંત્રી ચૌહાણએ ઝાકરિયાપુરાની મુલાકાત લીધા બાદ આંકલાવ તાલુકાના મુજકુવા ખાતે આવેલ ગોબર ગેસની રબડી (સ્લરી)માંથી ઉત્પાદિત કરવામાં આવતાં સુઘન બ્રાંડના એકમની મુલાકાત લીધી હતી. જયાં આ રબડીમાંથી બનાવવામાં આવી રહેલ ફોસ્‍ફોરસથી સમૃધ્ધ કરવામાં આવતાં સેન્દ્રિય ખાતર, રૂટ ગાર્ડ (મૂળ રક્ષક), સૂક્ષ્મ તત્વોયુકત પ્રવાહી ગ્રેડ, જસતથી સમૃધ્ધ કરવામાં આવતાં પ્રવાહી ખાતર અને ગાર્ડન ન્યુટ્રી કીટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...