આણંદ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન અકસ્માતની વણઝાર લાગી હતી. જેમાં જિલ્લામાં વાસદ, કિંખલોડ અને કંથારીયા પાસે સર્જાયેલા અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા, જ્યારે ત્રણ જણાંને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠમાં 62 વર્ષીય અતુલકુમાર ઠાકોર રહે છે. સોમવારે તેઓ તેમના ભાણા નરેશને લઈને વડોદરા લગ્નમાં ગયા હતા. લગ્ન પૂર્ણ કરી બપોરે એક વાગે બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે વાસદ સ્વામિનારાયણ મંદિર પાસે અજાણી કારે ટક્કર મારી હતી. જેને પગલે બંને જણાં ભોંય પર પટકાયા હતા. જેમાં નરેશને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.
બોરસદના કિંખલોડ ગામે મફતભાઈ વાળંદ સોમવારે બપોરે ત્રણ વાગ્યે ગામની મોચણ સીમમાં લગ્ન હોઈ ત્યાં હાજરી આપવા ગયા હતા. જ્યાં સાંજે પાંચ વાગ્યે કિંખલોડના હનુમાન મંદિરવાળા ગરનાળા પાસેથી પસાર થતી વેળાએ બીજા એક બાઈક સવારે તેમને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતના ત્રીજા બનાવમાં આંકલાવમાં રહેતા સુુનીલભાઈ ઠાકોર પરિવાર સાથે સારસા સ્થિત સાસરીમાં જવા નીકળ્યા હતા. દરમિયાન, સુંદણ ગામના પાટીયા પાસે કારે તેમને ટક્કર મારતાં પત્ની સહિત બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન સુનીલભાઈનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.