હવામાન:ચરોતરમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ : માવઠાની પણ વકી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા પાકની વાવણી હાલ પૂરતી મોકૂફ રાખવા કૃષિ નિષ્ણાતોની સલાહ

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમના પગલે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા થવાની સંભાવના આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં હળવા ઝાપટાની સંભાવનાને જોતા નવા પાકની વાવણી હાલ પુરતી મુલતવી રાખવી જોઇએ તેમજ તમાકુ સહિત પાક રોપેલા હોયતો વરસાદી પાણી ભરાઇ ના રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય છે .તેની ખાસ પ્રતિકૂળ અસર ચરોતરમાં જોવા નહીં મળે પરંતુ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા હવાના હળવા દબાણ હેઠળ આગામી ત્રણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં માવઠું થશે. તા 18 અને 19મી નવેમ્બરના રોજ આણંદ - ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. જયારે 20મી નવેમ્બરના રોજ કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના વધુમાં જણાવ્યા અનુસાર બુધવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.05 ડિગ્રી નોંધાયું છે. આમ મંગળવાર કરતાં લઘુત્તમ તાપમાનમાં 0.05 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જયારે હવામાં 59 ટકા ભેજનું પ્રમાણ છે. અને પવનની ગતિમાં વધારો નોધાતા 6.2 કિમીએ પહોંચી છે. ત્રણ દિવસ સુધી ચરોતરમાં વાદળો રહેશે.

ખંભાત-તારાપુર ડાંગરની કાપણી ચાલુ હોવાથી ખેડૂતોમાં ચિંતા
ખંભાત-તારાપુર સહિત જિલ્લામાં કેટલાક ખેડૂતોઅે મોડી ડાંગર રોપી હતી. જે હાલમાં તૈયાર થઇ હોવાથી ડાંગરના પાકની કાપણીનું કામ ચાલુ છે.કેટલીક જગ્યાએ કપાયેલી ડાંગર પડી છે.તેના કારણે વાદળો છવાતા ખેડૂતો ડાંગર તથા પુળા ઘરે લઇ આવવા માટે દોડાદોડી કરી રહ્યાં છે.જો માવઠું થાય તો ડાંગરના ઊભો પાક પલળી જતાં નુકસાન થવાની ભીતી વર્તાઇ રહી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

માવઠું થાય તો તમાકુ સહિતના પાકને સામાન્ય નુકસાનની ભીતિ
નવેમ્બર માસમાં રવિ પાકની રોપણીનું કામ ચાલે છે. હાલ ઘંઉ સહિત શાકભાજીના પાકોની રોપણી થઇ રહી છે. તમાકુની રોપણી કેટલાક વિસ્તારમાં થઇ છે. તેવા સંજોગોમાં માવઠું થાય તો તમાકુ સહિતના ફુલોવાળા શાકભાજીના પાકને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને તમાકુના નાના છોડ પર વરસાદી પાણી પડે તો છોડ આડો પડી જવાની શક્યતા છે. સાથે સાથે ફુલોવાળા શાકભાજીના ફુલો ગળી જાય તેમ છે. પવન વધુ ફુંકાય તો પણ પાકને નુકસાન થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...