તપાસ:આણંદ આગ પ્રકરણમાં માલિક સહિત 3 આરોપીઓ પકડથી દૂર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ તેને બે અઠવાડિયાનો સમય થવા આવ્યો છતાં પોલીસ કાર્યવાહી ન થતાં શંકા

આણંદ શહેરમાં રહેતા સુનિલભાઈ ઉર્ફે સોનુભાઈ કનૈયાલાલ ખટવાણી જે આણંદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર નગરપાલિકા સામે આવેલા કોમ્પલેક્ષમાં પોતાના પિતા કનૈયાલાલ ખટવાણી અને પુત્ર મોહિત ખટવાણી સાથે ફટાકડાની દુકાન ધરાવતા હતા. ગત ઓગસ્ટમાં આ દુકાનમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે પાસેના કોમ્પલેક્ષને પણ ઝપેટમાં લઈ લીધા હતા. જોકે, સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. પરંતુ એફએસએલના રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ એવી હકીકત બહાર આવી હતી કે, શખસે પરવાના કરતાં વધુ જથ્થો તેની દુકાનમાં રાખ્યો હતો.

વધુમાં શહેરની વચ્ચોવચ્ચ ગોડાઉન ન રાખી શકાય તેવો નિયમ છતાં પણ ગેરકાયદેે ગોડાઉન ઊભું કર્યું હતું. આ આગમાં રૂપિયા 87 લાખના નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. સમગ્ર બાબતોની તપાસ બાદ આખરે હિતેશ મોહનાનીની ફરિયાદના આધારે પોલીસે સુનિલ ઉર્ફે સોનુ કનૈયાલાલ ખટવાણી, મોહિત સુનિલ ઉર્ફે સોનુભાઈ ખટવાણી અને કનૈયાલાલ દુલ્હનમલ ખટવાણી વિરૂદ્ધ એક્સપ્લોઝીવ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ગત ચોથી સપ્ટેમ્બરના રોજ ગુનો નોંધ્યા પછી પણ સમગ્ર ઘટનામાં પોલીસનું કુણું વલણ જોવા મળી રહ્યું છે.

આ મામલે સમગ્ર ઘટનામાં તપાસ કરી રહેલા પીએસઆઈ ઈમરાનભાઈ ઘાસુંરાએ જણાવ્યું હતું કે, હાલમાં બંદોબસ્તમાં હોઈ ધરપકડ થઈ શકી નથી. આગામી ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...