દેશમાં ગરીબ વર્ગના પરિવારોના ઘરે ચૂલા પર રસોઈ બનતી હતી, જેને કારણે લાખો મણ લાકડાં બળતણ તરીકે વપરાતાં હતાં અને હવામાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હતું. ત્યાર બાદ દેશી ચૂલાનું સ્થાન પ્રાઇમસે લીધું હતું. એમાં પણ ગરીબોને રોજબરોજ કેરોસિનની હાડમારી અને ધુમાડાનું પ્રદૂષણ વેઠવું પડતું હતું. જેથી મહિલા સહિત માનવ જિંદગીનું સ્વાસ્થ્ય જોખમાતું હતું. એને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1લી મે 2016થી ઉજ્જવલા યોજના હેઠળ ઘેર ઘેર ગેસ-કનેક્શન પહોંચાડી મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ અપાવાની શરૂઆત કરી હતી.
રેશનકાર્ડમાં ઉજ્જવલાનો સિક્કો લાગી જતાં રેશનિંગ કેરોસિન વિતરણ બંધ
જે યોજનાનો અમલ આણંદ-ખેડા જિલ્લામાં 2017માં થયો હતો, પ્રથમ તબક્કામાં જિલ્લાના 1.42 લાખ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને માત્ર રૂા. 100માં ગેસ-કનેક્શન ફાળવવાનું શરૂ થયું હતું. અત્યારસુધીમાં આણંદ જિલ્લામાં 1,42,704 અને ખેડા જિલ્લામાં 1,46,520 મળી ચરોતરમાં કુલ 2,89,224થી વધુ ગરીબ પરિવારોને ત્યાં ગેસ-કનેક્શન પહોંચ્યાં છે. આ તમામ ગેસ-કનેક્શન ધરાવતા કાર્ડધારકોના રેશનકાર્ડમાં ઉજ્જવલાનો સિક્કો લાગી જતાં રેશનિંગ કેરોસિન વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.
1.82 હજાર લોકોની માસિક આવક પાંચ હજારથી પણ ઓછી
પરંતુ ગરીબ પરિવારો ગેસ-કનેક્શન મેળવીને ઊલમાંથી ચૂલમાં પડ્યા હોય એવો અનુભવ થયો છે. ગેસના બાટલાના ભાવ 1000એ પહોંચ્યા છે. સરકારની સબસિડી માત્ર 200 રૂપિયા મળે છે, પરંતુ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ-કનેક્શન મેળવનારા 70 ટકા પરિવારો, એટલે કે 1.82 હજાર લોકોની માસિક આવક પાંચ હજારથી પણ ઓછી છે. ત્યારે કાળઝાળ મોંઘવારીમાં ગેસના બાટલા ભરાવે તો 800 રૂપિયા જતા રહે તો પછી આખા મહિનાનું રેશન સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓ લાવવી ક્યાંથી ? એ પ્રશ્ન સતાવી રહ્યો છે.
ગરીબ રેશનકાર્ડધારકોને બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ
ગેસના બાટલા માળિયા કે ઘરના ખૂણામાં મૂકીને પુનઃ લાકડાં વીણીને ચૂલા ફૂંકવા માટે ગરીબ મહિલાઓ 15મી સદીમાં જીવવા મજબૂર બની છે. ગેસ-કનેક્શન હોવાથી દર મહિને અગાઉ રેશનિંગ પર વ્યકિતદીઠ મળતું 2 લિટર કેરોસિન પણ બંધ થઇ ગયું છે, જેથી કેરોસિન વિના રાત્રે અંધારા ઉલેચવાના અને દિવસે ચૂલા ફૂંકવાનો વખત આવ્યો છે. ગરીબ રેશનકાર્ડધારકોને બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
ઊલમાંથી ચૂલમાં પડ્યા, બાવાના બેય બગડ્યા - 2018માં 13 રૂપિયે મળતું રેશનિંગનું લિટર કેરોસિન 2022માં રૂા. 83નું થયું, ઉજ્જવલા યોજનાવાળાને તો રૂા. 130માં મળે !
રેશનકાર્ડધારક પરિવારોને સરકાર દ્વારા અપાતા કેરોસિનમાં મે માસમાં વધુ 4.90 પૈસાનો વધારો ઝીંકાયો હતો, જેથી હવે કાર્ડધારકે પ્રતિ લિટર આશરે રૂા. 83 ચૂકવવા પડે છે. ગત વર્ષે 1 લિટર કેરોસિનનો ભાવ 43ની આસપાસ હતો. આણંદ જિલ્લામાં માર્ચ માસમાં 1 લિટર રાહતના કેરોસિનનો ભાવ 63.30 હતો, એપ્રિલમાં 77.10 હતો, હવે મે માસમાં વધારો થઇને 83એ પહોંચ્યો છે.
2018ની શરૂઆતમાં રેશનકાર્ડધારકોને માત્ર રૂા. 13માં લિટર કેરોસિન મળતું હતું. ત્યાર બાદ રૂા.17નો વધારો થતાં રૂા.30માં મળતું હતું. હવે રૂા. 83 ભાવ થઇ ગયો છે. 2018 પહેલાં 7 ડેપોમાં માસિક 5થી 6 ટેન્કર કેરોસિન આવતું હતું, જે હાલમાં માંડ 3 ટેન્કર આવે છે. ડેપો પણ ઘટીને 4 થઇ ગયા છે.
એક વર્ષથી ગેસ-સિલિન્ડર ભરાવ્યું નથી, માળિયામાં મૂકી દીધું
સોજીત્રા તાલુકાના એક ગામમાં ઉજ્જવલા હેઠળ ગેસ-કનેક્શન ધરાવનાર અંત્યોદય કાર્ડધારકને 2018માં ગેસ-સિલિન્ડર મળ્યું હતું. શરૂઆતમાં 600 રૂપિયા હતા ત્યારે ભરાવતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી ગેસ-સિલિન્ડર ભરાવ્યું નથી. અમારી માસિક આવક માંડ 4 હજાર જેટલી છે. ઘરમાં ચાર સભ્યો છે, જેમાં બે બાળક છે. તેમને ખવડાવવું કે ગેસના બાટલા ભરાવીએ ? અત્યારે 1000 રૂપિયા છે. એમાંથી 200 રૂપિયા સબસિડી મળે તો બાકીનાં નાણાં લાવવા ક્યાંથી? તેથી હું લાકડાં વીણી લાવી ચૂલા પર રસોઇ બનાવું છું. > ચંદાબેન સોલંકી, ગેસ-કનેક્શનધારક, સોજીત્રા
આણંદ-ખેડા જિલ્લામાં 2 વખત ઉજ્જવલા યોજના લોન્ચ કરાઈ
આણંદ જિલ્લામાં 2017-18માં 1,18,093 લાભાર્થીને ઉજ્જવલા કનેક્શન અપાયાં હતાં. ત્યાર બાદ નાણાકીય વર્ષ 2021-22માં ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરવામાં આવી હતી, જેમાં આણંદ જિલ્લામાં 24,611 નવા લાભાર્થીને જોડવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ આણંદ અને ખેડા જિલ્લામાં કુલ 2,89,224 લાભાર્થી છે.
2018 2,11,650ને, હાલ માત્ર 30,000 કાર્ડધારકને કેરોસિન મળે છે
2018 પહેલાં ગેસ-કનેક્શન નહીં ધરાવનાર 2,11,650 કાર્ડધારકને માસિક વ્યક્તિદીઠ 4 લિટર મહત્તમ 10 લિટર કેરોસિન આપવામાં આવતું હતું. હાલમાં માત્ર ગેસ-કનેક્શન નહીં ધરાવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને વ્યકિતદીઠ માત્ર 2 લિટર મહત્તમ 8 લિટર કેરોસિન આપવામાં આવે છે. હાલમાં આણંદ જિલ્લામાં માંડ 30 હજાર રેશનકાર્ડધારકને કરોસિન મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.