ધરપકડ:રાજ્યમાં 21 ઘરફોડ ચોરી કરનારા 3 આણંદમાં ઝબ્બે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના ગરબાડાની ત્રિપુટી ઝડપાઇ
  • અમદાવાદ​​​​​​​, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા સહિતની ચોરી કબૂલી

આણંદ પાસેના અમીન ઓટો જવાના રસ્તા પરથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરમાં ચોરીના ઈરાદે આવેલી દાહોદની ત્રિપુટીને ઝડપી પાડી હતી. પોલીસની સઘન પૂછપરછમાં ત્રણેય ઈસમોએ છેલ્લાં નવ માસ દરમિયાન અમદાવાદ ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા સહિતના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 21 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે તેમની ગેંગ છે, જે પૈકી ચાર શખસ વોન્ટેડ છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે લોટીયા ભાગોળથી અમીન ઓટો તરફ જવાના રસ્તા પર દાહોદના ત્રણ શખસો ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે તુરંત જ ત્યાં પહોંચી જઈને ત્રણેય શખસોને ઝડપી પાડ્યા હતા. ત્રણેય જણની અંગ તપાસ કરતાં તેમની પાસથી લોખંડનું ગણેશીયું મળી આવ્યું હતું.

પોલીસે મોબાઈલ-ગણેશીયું મળી કુલ રૂપિયા 26 હજારનો મુદ્દામાલ કબજે કરી તેમના નામ-ઠામ પૂછતાં વિજય સોમલા બારીયા, કમલેશ ઉર્ફે કમો મડીયા ખરાડ (રહે. વજેલાવ, ગરબાડા, જિ. દાહોદ) અને જયંતી નબળા ડામોર (રહે. સરસોડા, ગરબાડા, જિ. દાહોદ) હોવાનું ખૂલ્યું હતું. તેમની સાથે અન્ય કેશા મગન ડામોર, કલસીંગ મગન ડામોર, કમા મડીયા ખરાડ અને દિનેશ વડવા વાળો પણ હોય છે. જોકે, તેઓ હાલ વોન્ટેડ છે. પોલીસે ત્રણેય જણાંની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં છેલ્લાં નવ મહિનાથી લઈ એક વર્ષ દરમિયાન શખસોએ બંધ મકાનોને રાત્રિના સમયે તાળાં તોડી ચોરી કરી હતી.

આ ઉપરાંત જીઆઈડીસીના એરિયાને પણ તેમણે નિશાન બનાવ્યું હતું. આમ, તેમણે અમદાવાદ શહેર-ગ્રામ્ય ઉપરાંત મહેસાણા, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 21 ચોરીઓ કરી હતી. નોંધનીય છે કે, હાલમાં પકડાયેલો આરોપી વિજય બારૈયા અગાઉ અમદાવાદના નારોલ, અમદાવાદ ગ્રામ્યના કણભા, ધોળકા, સાણંદ વિગેરે પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...