ભાસ્કર એક્સક્લૂઝિવ:આણંદ-ખંભાત વચ્ચે 53 કિમીના રૂટ પર 200 વીજપોલ ઉભા કરાયા, ઇલેકટ્રીક મેમુ ટ્રેન ત્રણ માસ બાદ દોડતી જોવા મળશે

આણંદ20 દિવસ પહેલાલેખક: પંકજ પટેલ
  • કૉપી લિંક
  • અગાસ-ભાટીએલ વચ્ચે રેલવેની ઇલેકટ્રીક લાઇનને અડકે નહીં તે માટે જેટકોની હેવી વીજલાઇન ઉંચી કરવાની કામગીરી દોઢ માસ ચાલશે
  • ખંભાત, પેટલાદ, તારાપુર સહિતના 12 ગામના 8 હજારથી વધુ મુસાફરોના સમય અને નાણાં બચશે

આણંદ -ખંભાત વચ્ચે ડિઝલ એન્જીન ધરાવતી ડેમુ ટ્રેન દોડવાવામાં આવતી હતી. જેમાં ડિઝલનો વપરાશ વધુ થતો હોય અને કાર્બન ડાયોકસાઇડ વધુ ફેલાતાં રેલવે દ્વારા ફયુલ બચત અને પોલ્યુશન અટકાવવા માટે ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો હતો, ત્યારે આણંદ -ખંભાતની 53 કિમી રેલવે લાઇન પર ઇલેકટ્રીક ટ્રેન દોડાવવા માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહીં છે. હાલમાં અગાસ ભાટીયેલ વચ્ચે જેટકો કંપની હાઇ વોલ્ટેજ લાઇન પસાર થઇ રહીં છે. જે રેલવેની ઇલેકટ્રીક લાઇનથી નજીક હોવાથી તેને ઉંચુ કરવાની કામગીરી ચાલી રહી છે.

ત્રણ જગ્યાએ જેટકો વીજ પોલની હાઇટ વધારીને કેબલ ઉંચા કરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ અગાસ ભાટીયેલ 1 કિમી વચ્ચે જેટકો વીજ પોલની હાઇટ વધારાની કામગીરીના પગલે દોઢ માસ જેટલો સમય લાગશે. ત્યારબાદ એક-દોઢ માસમાં એટલે કે, આજથી 3 માસ બાદ ઇલેક્ટ્રિક મેમુ ટ્રેન દોડતી જોવા મળશે.જેના પગલે મુસાફરોનો 50 મિનિટનો સમય બચશે. તેમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.રેલવે દ્વારા આણંદથી ખંભાત વચ્ચે ઇલેકટ્રીક ટ્રેન દોડવવા માટેની કામગીરી જાન્યુઆરી 2021માં શરૂ કરાઈ હતી. આ ઇલેકટ્રીક ટ્રેન 53 કિમીનું અંતર 40 મિનિટમાં કાપશે.

હાલ ડેમુ ટ્રેનને આણંદથી ખંભાત પહોંચતા દોઢ કલાક થાય છે અને અવારનવાર એન્જીન ખોટવાઇ જતું હોવાથી મુસાફરોનો સમય બગડતો હતો, પ્રદુષણ ફેલાતું હતું. તેને ધ્યાને લઇને ઇલેક્ટ્રીક ટ્રેન દોડાવવા નિર્ણય લેવાયો હતો. 53 કિમી લાઇન પર 200થી વધુ પોલ ઉભા કરીને ઇલેક્ટ્રીક લાઇન નાંખવામાં આવી છે. આગામી ત્રણ માસમાં ઇલેકટ્રીક મેમુ ટ્રેનનો લાભ મળતો થઇ જશે.

ઇલેકટ્રીક ટ્રેન દોડાવવા 25000 કેવીની જરૂર
વેસ્ટન રેલવેમાં ઇલેકટ્રીક ટ્રેન દોડવાવા માટે 25 હજાર કેવી વોલ્ટેજની જરૂરીયાત રહે છે. આણંદ ખંભાત રેલવે લાઇન પરથી પસાર થતી હેવી વીજલાઇન ઉંચી કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં દોઢ માસ જેટલો સમય લાગશે. - વી. ડી. ગણાત્રા, એજયુકેટીવ એન્જીનિયર, જેટકો

1 વર્ષ પહેલાનું ભાડું લેવાશે તો રૂ.15 બચશે
કોરોના પહેલા ડેમુ ટ્રેનનું ભાડું આણંદથી પેટલાદ માત્ર રૂા.10 અને ખંભાતનું રૂા.15 હતું પરંતુ કોરોનાના એક વર્ષ બાદ સ્પેશિયલ ટ્રેન તરીકે ડેમુ દોડાવાતાં હાલમાં મિનિમમ ભાડું રૂા.30 વસુલવામાં આવી રહ્યું છે. જયારે ઇલેકટ્રીક મેમુ ટ્રેન દોડાવવાથી ડિઝલની બચત થશે એટલે હાલમાં વસુલાતા રૂા.30 ભાડાના બદલે એક વર્ષ પહેલાનું ખંભાતનું રૂ.15 ભાડું લેવાશે તો પ્રત્યેક મુસાફરને ખંભાત જવા રૂા.15ની બચત થશે.

રેલવે ટ્રેકથી વીજપોલ સુધી 9 મીટર હાઇટ વધારાઈ
આણંદ ખંભાત ઇલેકટ્રીક ટ્રેન દોડાવવા માટે રેલવે તંત્ર દ્વારા રેલવે પાટાથી વીજ પોલ સુધી નવ મીટર હાઇટ વધારવામાં આવી રહીં છે. જેનાથી રસ્તામાં હેવી લાઇન કેબલો પસાર થાય તો વીજવાયર અડકી ન જાય તે માટે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહેલ છે. - પી. આર. ઓ., વેસ્ટન રેલવે વડોદરા

ડેમુ 90 મિનિટ લેતી,મેમુ 40 મિનિટમાં પહોંચાડશે
બે વર્ષ અગાઉ દૈનિક 6 અપ એન્ડ ડાઉન રૂટમાં 8000 જેટલા મુસાફરોની અવરજવરથી રેલવેને સવા લાખની આવક થતી હતી. પહેલા મુસાફરો પેટલાદ માત્ર રૂા 10 અને ખંભાત રૂા 15માં અવરજવર કરતાં હતા, પરંતુ ડેમુ ટ્રેન દોઢ કલાક લેતી હતી. જેથી મુસાફરો પુરતા મળતાં ન હતા. જયારે મેમુ ટ્રેન માત્ર 40 મિનિટમાં પહોંચવાની હોય અપ-ડાઉન કરતાં મુસાફરોની જવાની 50 મિનિટ અને આવવાની 50 મિનિટ બચશે.

ઇલેકટ્રીક ટ્રેનથી થશે અનેક લાભ
ઇલેકટ્રીક ટ્રેનથી મુસાફરોનો 50 મિનિટનો સમય બચશે., વારંવાર રસ્તામાં ખોટકાઇ જતી ડેમુમાંથી મુસાફરોને મુકિત મળશે., ઇલેકટ્રીક મેમુ ચાલુ કરાતાં રેલવે તંત્રને ઇંધણ ખર્ચ બચશે, જેનો ફાયદો થશે., એક સ્ટેશને ટ્રેન રોકાયા બાદ ડેમુ ટ્રેનને ગતિ પકડતાં 4થી 5 મિનિટનો સમય લાગતો હતો, હવે ઇલેક્ટ્રિક ટ્રેન ગણતરીની સેકન્ડમાં ગતિ પકડી લેશે., વિદ્યાનગર, કરસમદ, અગાસ, પેટલાદ, કાળીતલાવડી, તારાપુર, ખંભાત સહિત 12 ગામોની જનતાને તેનો સીધો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...