એજ્યુકેશન:ભારતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના 2 છાત્રો ICARની પ્રવેશ પરીક્ષામાં ટોપ ટ્વેન્ટીમાં

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદનો વિદ્યાર્થી ચોથા જ્યારે અમદાવાદનો છાત્ર 13માં ક્રમાંકે

આણંદ કૃષિ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ આઈસીએઆરની એમએસસીની પ્રવેશ પરીક્ષામાં ટોપ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. બે વિદ્યાર્થી પૈકી મૂળ આણંદના વિદ્યાર્થી સોહમ લુહાણાએ હોર્ટીકલ્ચર વિષયમાં ચોથો રેન્ક અને અમદાવાદના તૃણાલ કોટડીયાએ પ્લાન્ટ સાયન્સ વિષયમાં 13મો ક્રમાંક મેળવ્યો છે.

મૂળ આણંદના રહેવાસી સોહમ લુહાણા અને અમદાવાદના રહેવાસી તૃણાલ કોટડીયાએ વર્ષ 2017-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિમાં બીએસસી કર્યું હતું. યુનિવર્સિટીમાંથી અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ ટોપ ટ્વેન્ટીમાં રહ્યા હોય તેવા આણંદ કૃષિ યુનિવર્સિટીના બે જ વિદ્યાર્થીઓ છે. સામાન્ય રીતે એમએસસી એગ્રીમાં પ્રવેશ માટે સમગ્ર ભારતમાંથી આઈસીએઆર દ્વારા એઆઈઈઈએ-પીજી 2020-21 પરીક્ષા લેવાતી હોય છે.

આ પરીક્ષામાં સમગ્ર ભારતમાંથી અંદાજિત પચ્ચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તેમના સહિત અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ટોપ રેન્કિંગમાં બંને વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. પરીક્ષામાં ટોપ રેન્કિંગમાં સ્થાન મળવાને કારણે એમએસસીમાં પ્રવેશ ઉપરાંત તેમને દર મહિને રૂપિયા 12500ની ફેલોશીપ પણ મળશે.

એક વિદ્યાર્થીના પિતા દૂધ ભરીને ગુજરાન ચલાવે છે
22 વર્ષીય વિદ્યાર્થી તૃણાલ કોટડીયાનો પરિવાર સામાન્ય જીવન જીવે છે. મૂળ અમદાવાદના નિકોલમાં રહે છે. તેના પિતા ગામડાઓમાંથી દૂધ ભરીને શહેરમાં વેચે છે. માતા ગૃહિણી છે. જ્યારે બીજો એક ભાઈ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. બીજી તરફ વિદ્યાર્થી સોહમ લુહાણાના પિતા એલઆઈસીમાં કામ કરે છે. જ્યારે તેના માતા ગૃહિણી છે.

અન્ય સમાચારો પણ છે...