બંધ મકાનના તાળાં તોડી ચોરી કરતાં દાહોદની ગેંગના બે શખસોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમીન ઓટો પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સાત ગુનાની કબુલાત કરી હતી. નોંધનીય છે કે, છેલ્લાં છ મહિનામાં કુલ ચાર શખસોએ આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી દીધો હતો. જોકે, હજુ બે શખસ વોન્ટેડ છે. આણંદ શહેરના અમીન ઓટો ફાટક નજીક બે શખસો ચોરીના ઈરાદે ફરી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને શખસોને દબોચી લીધા હતા. પોલીસે જ્યારે બંને શખસોને પકડ્યા અને તલાશી લીધી ત્યારે તેમની પાસેથી લોખંડનું ગણેશીયું, બેટરી, મોબાઈલ, હેકસો બ્લેડ તથા પક્કડ મળી આવ્યા હતા.
પૂછપરછમાં પ્રથમ તો બંને જણાંએ પોલીસને મચક આપી નહોતી.પરંતુ સઘન પૂછપરછ કરતાં બંને દાહોદના ગરબાડાના અને તેમનું નામ દિનેશ રામસિંગ ગુંડિયા અને રાજુ બચુ હઠીલા હોવાનું જણાવ્યું હતું. તેમની ટોળકીમાં અન્ય બે શખસો પપ્પુ સુરપાળ ગુંડિયા અને કાંતિ મંગળ બારીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ મુદૃામાલ કબજે કરી સઘન પૂછપરછ કરતાં ટોળકીએ છેલ્લાં સાત મહિનાથી આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી દીધો હતો. તેમણે સાત ચોરીના ગુનાની કબુલાત કરી હતી.
જેમાં બોરસદના વહેરા ખાતે આવેલા બેવરલી હિલ્સ સોસાયટીના મકાનના રસોડાનું તાળું તોડી લૂંટ કરી હતી. આ ઉપરાંત બોરસદના રાસ રોડ ઉપર આવેલી હનીફા સ્કૂલ, સિસવા ગામે વાલવોડ રોડ પર આવેલ રાજ રેસીડેન્સીના મકાનમાં, વિરસદ બસ સ્ટેન્ડ નજીક કનૈયા જલારામ મંદિર અથાણાની પ્રોડક્ટસ,ગત મહિને લક્ષ હાઈસ્કૂલ બામણવાનું તાળુ તોડ્યું હતું, દોઢ મહિના પહેલાં બોરીયાવી ચરોતર ગેસ સ્ટેશનની બાજુમાં આવેલી ધારા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તથા બોરીયાવી ઇન્દિરા નગરીમાં આવેલા મકાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. તેઓ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરતા હતા. પોલીસે રૂપિયા 2772નો મુદૃામાલ કબજે લઈ પૂછપરછ હાથ ધરી છે.
બંને શખસો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
બંને શખસો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રાજુભાઈ બચુભાઈ હઠીલા સામે અગાઉ વર્ષ 2014માં વિદ્યાનગર, આણંદ ગ્રામ્ય, કઠલાલ, અમદાવાદના મણીનગર તથા ખોખરા, વડોદરાના ગોરવામાં ચોરીની ઉપરાંત ખોખરા, પાટણ અને ખેડામાં લૂંટની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય, દિનેશ રામસિંગ ગુંડિયા વિરૂદ્ધ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.