કાર્યવાહી:અમીન ઓટો પાસેથી સુખડના ઝાડની ચોરી કરનારા 2 ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક માસ અગાઉ તેમણે 45 હજારના બે ઝાડની ચોરી કરી હતી

આણંદ શહેરના અમીન ઓટો પાસેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક માસ અગાઉ રૂપિયા 45 હજારની કિંમતના બે સુખડના ઝાડની ચોરી કરનારા બે શખસોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી મહેળાવ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમીન ઓટો ફાટક પાસે બે શકમંદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. બંને વ્યક્તિઓએ પોતાની બાઈક સાઈડમાં પાર્ક કરી હતી અને ચોરી કરવાની તૈયારી કરતા હોવાનું પોલીસને લાગ્યું હતું.

જેને પગલે પોલીસે બંનેનો કોર્ડન કરી ઝડપી પાડી નામ-ઠામ પૂછતાં બિપીન ઉર્ફે દિપો શિવા તળપદા (રહે. કાસોર જીઈબી પાસે, સોજિત્રા) અને મંગળ કાળીદાસ તળપદા (રહે. પીપળાવ, સોજિત્રા) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેમની તપાસ કરતાં તેમની પાસેથી ડિસમીસ તથા લોખંડનું ગણેશીયું, બેટરી, મોબાઈલ અને લોખંડનું પક્કડ મળી આવ્યું હતું.

બંનેની સઘન પૂછપરછ કરતાં તેમણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, ગત મહિને લખાપુરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી તેમણે રૂપિયા 45 હજારના બે ઝાડની ચોરી કરી હતી. એ સમયે તેમની સાથે રસિક રામા તળપદા નામનો શખસ પણ સામેલ હતો. હાલમાં તેને પકડવાનો બાકી છે. પોલીસે બંનેની ધરપકડ કરી, બાઈક સહિત અન્ય મુદ્દામાલ કબજે લઈ મહેળાવ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...