સોજિત્રા કોંગ્રેસના ધારાસભ્યની તારાપુર સીમ વિસ્તારમાં આવેલી બે સર્વેવાળી જમીન પર બે ભાઈઓએ કબજો જમાવી દેતાં તારાપુર પોલીસે આ મામલે લેન્ડ્ ગ્રેબિંગની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુર ગામના બારોટવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય પુનમભાઈ માધાભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે વર્ષ 2013માં તારાપુરની સર્વે નંબર 737 તથા સર્વે નંબર 738 વાળી જમીન બીજાઓ સાથે તેના મૂળ માલિકો પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી.
જેની ફેરફાર નોંધ પણ મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ આ બંને જમીનોમાંથી અડધી જમીન પૂનમભાઈ માધાભાઈ પરમારે વર્ષ 2015માં 22મી ફેબ્રુઆરીના રોજ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. હાલમાં 7-12ના રેકર્ડમાં તેમનું નામ ચાલી રહ્યું છે. જોકે, આ જમીનમાં કોઈ લાગભાગ ન હોવા છતાંય ગામમાં રહેતાં ગોરધન ડાહ્યા પરમાર તથા તેમના ભાઈ ફતેસિંગ પરમારે કબજો જમાવી દીધો હતો.
જ્યારે પણ આ લોકો જમીન પર જતાં ત્યારે આ બંને ભાઈઓ તેમને ઘૂસવા દેતા નહોતા અને ઝઘડો કરતા હતા. જ્યારે પણ પૂનમભાઈ કે તેમના પરિવારના માણસો ત્યાં જાય છે ત્યારે આ લોકો તેમને ખેતર ખેડવા દેતા નહોતા કે અંદર પ્રવેશવા દેતા નહોતા. ઉપરાંત ટ્રેક્ટરની આગળ સૂઈ જઈ ખેડવા દેતા નહોતા અને આપઘાતની ધમકીઓ આપતા હતા. જેને પગલે કંટાળેલા ધારાસભ્યે આખરે આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની અરજી આપી હતી. જેને ચકાસ્યા બાદ કચેરીના આદેશથી તારાપુર પોલીસે આ અંગે પૂનમભાઈ પરમારની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
વર્ષ1963માં જ મૂળ જમીન માલિકનો કબજો કાયમ રાખવાનો હુકમ થયો હતો
ઘુસણખોરી કરનારા બંને ભાઈઓના દાદા ચીનુભાઇ રણછોડભાઈ પરમાર અને મૂળ જમીન માલિક વચ્ચે ગણોતધારાના કેસો ચાલ્યા હતા. જેમાં ચીનુભાઇ રણછોડભાઈએ આ જમીન ખરીદવાની ના પાડી હતી. જેને પગલે કેસ ચાલ્યો હતો. જેમાં વર્ષ 1963માં મૂળ જમીન માલિકનો કબજાે કાયમ રાખવાનો હુકમ થયો હતો. જેની સામે ચીનુભાઇ રણછોડભાઈએ કોઈ અપીલ કે રિવિઝન કરી નહોતી. આ હુકમની ફેરફાર નોંધ પણ પાડવામાં આવી છે અને તે મંજૂર કરવામાં આવી છે. જોકે, આમ છતાં આ બંને ભાઈઓએ વર્ષ 2011માં અમદાવાદની કોર્ટમાં અપીલ કરી હતી, જે નામંજૂર થઈ હતી. કૃષિપંચ મામલતદારની કચેરી તારાપુર ખાતે તથા વર્ષ 2019માં પણ જમીન મેળવવા અરજી કરી હતી, જે તમામ નામંજૂર થઈ હતી.
ચોપડે લેન્ડ ગ્રેબિંગની 400થી વધુ ફરિયાદ
રૂપાણી સરકારમાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવવામાં આવ્યો હતો. એ પછી છેલ્લાં બે-અઢી વર્ષમાં આણંદ જિલ્લામાં અંદાજિત 400થી વધુ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, તેમાં તપાસ બાદ અત્યાર સુધીમાં 10થી વધુમાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. હજુ પણ અન્ય અરજીઓમાં તપાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.