• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 181 Abhayam Helpline, Making Crisis Easier For Anand's Women, Solved The Problem Of More Than 34 Thousand Women In The District

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:આણંદની મહિલાઓ માટે સંકટ સહેલી બનતી 181 અભયમ હેલ્પલાઇન ,જિલ્લામાં 34 હજાર ઉપરાંત મહિલાઓની સમસ્યાનું નિરાકરણ કર્યું

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની મહિલાઓને નીડર, સશકત અને સુરક્ષાનું અભય વચન પૂરૂં પાડતી સેવા એટલે 181 અભયમ હેલ્પલાઇન. આ હેલ્પલાઇન આજે મહિલાઓ માટે સાચા અર્થમાં સંકટ સમયની સહેલી બની છે. રાજયની મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા, શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષા કવચ બનીને સતત 24 કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સથવારો પૂરો પાડી રહી છે.આણંદ જિલ્લા ગત વર્ષે 5હજાર ઉપરાંત અને છેલ્લા આઠ વર્ષમાં 34હજાર ઉપરાંત મહિલાઓએ અભયમની સાદ કર્યો અને અભયમ ટીમ સ્થળ ઉપર પહોંચી પીડિત મહિલાઓને સાથ ,હૂંફ અને સથવારો આપ્યો અને તેમની પીડાનું નિરાકરણ કરી આપ્યું છે.

આ અંગે અભયમ ટીમે જણાવ્યું હતું કે આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ કોઇપણ મહિલાની શારીરિક, જાતિય, માનસિક કે આર્થિક સતામણી, હિંસા કે અન્યાય, સ્ત્રી ભ્રૂણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન, કોઇપણ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી, સંબંધોમાં તકરાર-ઝઘડો થયો હોય કે બીજી કોઇપણ મુસીબતો આવી હોય તો તેમાંથી બચાવીને મહિલાઓને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાનું કાઉન્સેલીંગ કરીને હકારાત્મક રીતે મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે.

આ સેવા અંગે આણંદ જિલ્લાની પરિસ્થિતિ તરફ નજર કરીએ તો ગત પુરા થતા વર્ષ 2022 દરમ્યાનમાં 5,237 મહિલાઓએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવાનો લાભ લીધો છે.આ સાથે છેલ્લા 8 વર્ષમાં જિલ્લામાં કુલ 34,518 મહિલાઓની પીડાનું નિવારણ કરવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન મદદે આવી છે.181 અભયમ હેલ્પલાઇન સેવાનો લાભ રાજયની કોઇપણ કન્યા, યુવતી કે મહિલા કે પછી કોઇ મહિલાને મદદરૂપ થવા ઇચ્છતો હોય તેવો પુરૂષ આ સેવાનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત રાજયમાં હિંસાનો ભોગ બની હોય તેવી અન્ય રાજયની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.

આ અંગે ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, આજની આધુનિક ભારતીય નારીઓએ સમાજની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ દરેક ક્ષેત્રોમાં અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરીને સફળતાના સોપાનો સર કર્યા છે. મહિલાઓ તેમનામાં રહેલી પ્રતિભાઓને ઉજાગર કરીને પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના સપનાંઓને સાકાર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢિચુસ્ત સમાજમાં પરંપરાગત માન્યતાઓ અને જૂનવાણી વિચારસરણી મહિલાઓ માટે મુસીબત નોતરતી હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાઓ માટે ઘણીવાર વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.જેને ધ્યાને લઇ મહિલાઓના આ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને જીવીકે-ઇએમઆરઇ મહિલાઓની વ્હારે આવીને એક સંકલિત રીતે 181 અભયમ હેલ્પલાઇન કાર્યરત કરી છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓ કોઇપણ રીતે પીડિત થતી હોય તો તે 181 અભયમ હેલ્પલાઇનની સહાય મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...