• Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • 18 Out Of 20 Councilors Of Anand Ward 9 To 13 Do Not Have Time For The People, It Is The Fault Of The People To Elect BJP Panel In Five Wards

ભાસ્કર સાથે રૂબરૂ:આણંદ વોર્ડ-9થી 13ના 20માંથી 18 કાઉન્સિલરો પાસે પ્રજા માટે સમય નથી, પાંચે’ય વોર્ડમાં ભાજપની પેનલ ચૂંટી તે પ્રજાનો દોષ

આણંદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 40 વર્ષ જૂની સોસાયટી વિકાસ વંચિત, રોડની બીજી બાજુ નવી સોસાયટી સુવિધા સજ્જ
 • તળાવના બ્યુટીફિકેશન પાછળનો કરોડોનો ખર્ચ જાળવણીના અભાવે પાણીમાં
 • છેવાડાની સોસાયટીઓમાં ટીપી કે ડીપીનો લાભ ન અપાતા ગટર અને રસ્તાની સુવિધા મળી નથી
 • પાલિકાથી બંધ સ્ટ્રીટ લાઈટ પણ શરૂ ન થતી હોય તો ના પાડો, અમારા ખર્ચે નંખાવી દઇએ
 • મોઢું ફેરવનારા યાદ રાખજો, અમારી પાસે આપનો વિકલ્પ છે​​​​​​​
 • આણંદમાં વધુ 5 વોર્ડ સાથે તમામ 13 વોર્ડમાં ભાસ્કર રૂબરૂ કાર્યક્રમ સંપન્ન

આણંદ શહેરમાં છેલ્લા બે રવિવારમાં વોર્ડ નં.1,2,3,4,5,6,7 અને 8 બાદ 10 જુલાઇને રવિવારે વોર્ડ નં.9,10,11,12 અને 13ના કાઉન્સિલર અને જાહેર જનતાને એક મંચ પર લાવવા દિવ્ય ભાસ્કર દ્વારા લોટેશ્વર મહાદેવ મંદિરના હોલમાં રૂબરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 વોર્ડના 20 કાઉન્સિલરો પૈકી માત્ર વોર્ડ-12ના 2 કાઉન્સિલર હાજર રહ્યાં હતાં.

જેથી વોર્ડ નંબર 9, 10, 11 અને 13ના વિકટ પ્રશ્નો ભાસ્કર સમક્ષ રજૂ કરાયા હતાં અને સ્થાનિક રહિશોએ પ્રજાના પ્રશ્નોથી મોઢું ફેરવનારા 18 નગરસેવકોની ઝાંટકણી કાઢીં આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, મોઢું ફેરવનારા યાદ રાખજો, અમારી પાસે આપનો વિકલ્પ છે. આણંદ વોર્ડ-9થી 13ના 20માંથી 18 કાઉન્સિલરો પાસે પ્રજા માટે સમય નથી ત્યારે પાંચે’ય વોર્ડમાં ભાજપની પેનલ ચૂંટી તે અમારો દોષ હોય તેવું લાગી રહ્યું છે.

જો કે, ભાજપના રબર સ્ટેમ્પ બની રહેલાં નગરસેવકો પ્રજાના વેધક પ્રશ્નોનો જવાબ આપવા માટે અસમર્થ હશે એટલે ગેરહાજર રહ્યાં તેવું માની પ્રજાના પ્રશ્નો ભાસ્કરના માધ્યમથી નિદ્રાધિન નગરસેવકો સુધી પહોંચાડાય અને તેના ઉકેલનો હિસાબ પણ મંગાય તેવી લોકોએ લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 12ના નગરસેવક મેહુલ પટેલ અને રેખાબેન વસાવાના પતિ રણજિતભાઈએ પોતાના વોર્ડના પ્રશ્નો સાંભળી ઉકેલવાની ખાતરી આપી હતી.

જૂથવાદથી ભાજપની છબી ખરડાઈ
ભાજપમાં જૂથવાદને કારણે કામ થતા નથી. વોર્ડ નંબર 13 સહિતના વોર્ડમાં વિકાસના કામો હાથ ધરાય છે ત્યારે ભાજપના જ વિરોધી જૂથના નેતાઓ રોડા નાખી કામ અટકાવે છે. આ જૂથવાદે ભાજપની છબી ખરડી છે. - રજનિકાંત સોલંકી, સ્થાનિક​​​​​​​

અમે કહેશું ટેક્ષ ભરવાનો સમય નથી તો?
રૂબરૂ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા હાજર રહેવાનો 18 નગરસેવકો પાસે સમય નથી ત્યારે અનેક સમસ્યાથી પીડાતી પ્રજા પણ કહેશે કે, અમને પણ ટેક્ષ ભરવાનો સમય નથી તો? પ્રજાના પૈસે થતાં તાગડધીન્ના બંધ થઈ જશે. - ગીરીશભાઇ પારેખ, સ્થાનિક

વોર્ડ 09 - પ્રિ-મોનસૂન કામગીરી હવામાં

વરસાદી પાણીનો નિકાલ થતો નથી
આણંદ શહેરના લોટીયા ભાગોળથી ટાવર બજાર સુધી ચોમાસા અગાઉ ગટરની કુંડીઓ સાફ ન કરાતાં ઠેર ઠેર સામાન્ય વરસાદે ગટર ઉભરાતાં ગંદા પાણી રોડ પર ફરી વળે છે. આ વિસ્તારમાં રસ્તાઓનું સમારકારમ પણ થતું નથી. > ચિરાગ એમ. ગોહેલ, સ્થાનિક રહિશ

​​​​​​​ઉંચા રોડથી સોસાયટીઓમાં પાણી
આણંદ-સોજિત્રા રોડ પર દેવવૃંદ સહિત અનેક સોસાયટીઓ આવેલી છે,પરંતું મુખ્ય રોડ ઉંચો થઈ જતાં વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસી જાય છે. બ્લોક પેવિંગ સહિતની કામગીરી થતી નથી અને પાણીનો પ્રશ્ન પણ સતાવે છે. - રાકેશ ગોહેલ, સ્થાનિરક રહિશ

​​​​​​​કેવા ઉઠ્યાં સવાલ
આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ આવેલો તો છે પણ તે બંધ હાલતમાં છે. સોસાયટીઓને જોડતાં રસ્તા બિસ્માર હોવાથી ચોમાસામાં અવરજવર કરવામાં હજારો લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે.

ફોન પર પ્રશ્નો ઉકેલવાનું શાણપણ
વોર્ડ-9ના એકપણ કાઉન્સિલર હાજર રહ્યાં ન હતાં. જેથી આ વિસ્તારના કાઉન્સિલર અને પ્રમુખ રૂપલબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સામાજિક પ્રંસગમાં જવાનું હોવાથી હું હાજર રહીં શકી નથી. પરંતું મારા વોર્ડ સહિત નગરજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહીશ.

વોર્ડ 10 - રસ્તાના કામ રસ્તો બતાવશે

​​​​​​​​​​​​​​ગંજ રોડ પર વરસાદી પાણી ભરાય છે
સરદારગંજથી બ્રહ્માકુમારી કચેરીવાળો માર્ગ તથા સોસાયટી માર્ગો ઉપર સામાન્ય વરસાદે પણ પાણી ભરાઈ જતાં ગંદકી ફેલાય છે. જેથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહીં છે. સ્ટ્રીટ લાઈટો પણ રાત્રે બંધ રહેતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. - કમલેશભાઇ પંડ્યા, સ્થાનિક રહિશ

​​​​​​​સાફ-સફાઇ માત્ર કાગળ પર જ
સત્યમ સોસાયટી અને આજુબાજુના વિસ્તારોમાં સાફ-સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રિ-મોનસૂન કામગીરીમાં વેઠ ઉતારાતાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોને અવરજવર કરવામાં અગવડતા પડે છે. - સુરેશભાઈ શાહ, સ્થાનિક રહિશ

​​​​​​​કેવા ઉઠ્યાં સવાલ
લોટીયા ભાગોળ તળાવમાં 8 કરોડ ઉપરાંતના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું પરંતું તકેદારીના અભાવે વોકિંગ ટ્રેક, બગીચામાં રમતગમતના સાધનો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે.

હું ભલે આવી ન શકી પણ પ્રશ્ન ઉકેલીશ
​​​​​​​વોર્ડ 10ના તમામ કાઉન્સિલરો પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા હાજર રહ્યાં ન હતા. કાઉન્સિલર બેલાબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે સંજોગો વસાત આવી શકી નથી પરંતું સ્થાનિકોની રજૂઆતો ઉઠી છે. તેનો નિકાલ કરવા અમે સતત પ્રયત્નો કરીશું.

વોર્ડ 11 - પીવાના પાણીના પણ ફાંફા

​​​​​​​પાણી પૂરતા ફોર્સથી મળતું નથી
આણંદ શહેરના પરિખ ભુવન અને પાધરીયા વિસ્તારમાં 10000થી વધુ લોકો રહે છે પણ વર્ષોથી પીવાનું પાણી પૂરતા ફોર્સથી મળતું નથી. પાલિકામાં રજૂઆત કરવા છતાં માત્ર કામ ચલાઉ પ્રશ્ન હલ થાય છે. તેમજ રસ્તા પણ ઉબડખાબડ છે. - ગનીખાન પઠાણ, સાથાનિક રહિશ

​​​​​​​મુખ્ય રોડ પર જોખમી ભૂવા પડ્યાં છે
અમૂલ ડેરી રોડ પર ગટરલાઇનનું કામ કર્યા બાદ પેચ વર્કના કામમાં વેઠ ઉતારાતાં સામાન્ય વરસાદે રોડની સાઈડમાં મોટા મોટા ભૂવા પડી જાય છે જેથી અકસ્માત થવાનો ભય રહે છે. બ્લોકપેવિંગના કામમાં પણ વેઠ ઉતારવામાં આવી છે. - જતીન પંડ્યા, સ્થાનિક રહિશ

​​​​​​​કેવા ઉઠ્યાં સવાલ
આ વિસ્તારમાં પીવાના પાણી અને રોડ રસ્તાનો પ્રશ્ન સૌથી મોટો છે. સાફ-સફાઈની કામગીરી પણ થતી નથી જેના કારણે ચોમાસામાં ગંદકીનું સામ્રાજ્ય છવાય છે. રૂપારેલ વિસ્તારમાં પણ સુવિધાનો અભાવ છે.

રૂબરૂ નહીં ઘેર બેઠાં કામ કરશે​​​​​​​
આણંદ પાલિકાના વોર્ડ નંબર 11ના ચારેય કાઉન્સિલર ગેરહાજર રહ્યાં હતાં. કાઉન્સિલર ભાવેશ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, પાણીનો પ્રશ્ન હલ કરવા માટે બીજો બોર બનાવવા માટે જગ્યાની તપાસ ચાલું છે, જગ્યા મળતા કામગીરી હાથ ધરાશે.

વોર્ડ 12 - વિકાસ નહીં તો ટેક્ષ નહીં

ગટરલાઈનની સુવિધા નથી
આ વિસ્તારમાં 40 વર્ષથી સોસાયટીઓ આવેલી છે. પરંતું ગટરની સુવિધા નથી જ્યારે સામેની સાઈડે નવી બનેલી સોસાયટીઓમાં ગટર સહિતનો લાભ આપવામાં આવ્યો છે. અમે ટેક્ષ ભરીએ છે. સુવિધા ન મળતાં ટેક્ષ ઓછો લેશો? - રાજેશભાઈ શાહ, સ્તાનિક રહિશ

​​​​​​​સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ચોકઅપ થાય છે
ગાયત્રીનગર વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ચોક અપ થઈ જતાં વરસાદી પાણી ભરાય છે. જેના કારણે ગંદકી ફેલાય છે. તેમજ સ્ટ્રીટ લાઈટો પણ બંધ રહેતી હોવાથી ઘણી મુશ્કેલીઓ પડે છે. સ્ટ્રીટ લાઈટના જોડાણ માટે અમે પૈસા આપવા તૈયાર છીએ. - મોતીભાઇ પટેલ, સ્થાનિક રહિશ

​​​​​​​કેવા ઉઠ્યાં સવાલ
સ્ટ્રીટ લાઈટ, બ્લોકપેવિંગ અને રોડના બાકી રહેલા કામો અંગે પ્રશ્નો ઉઠ્યાં હતાં. તેમજ સોસાયટીના માર્ગો પર દબાણ હલ કરવાની પણ સ્થાનિકોએ માગ કરી હતી.

રસ્તા અને લાઇટોનો પ્રશ્ન હલ કરાશે
હાજર રહેલ કાઉન્સિલર મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ગટરલાઈન અને રોડ રસ્તાનું કામ મંજૂર થઈ ગયું છે. જ્યારે LED લાઈટનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ કરવામાં આવશે. બ્લોક પેવિંગના કામમાં નવેસરથી પ્રક્રિયા હાથ ધરાશે. અન્ય પ્રશ્નોના નિકાલ માટે પણ સ્થાનિકો સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવશે.

વોર્ડ 13 - છેવાડાનો વિકાસ પણ છેવાડે
​​​​​​​વરસાદી પાણીનો પ્રશ્ન ગંભીર

ગણેશ ચોકડીથી મંગળપુરા સહિતના વિસ્તારોની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીનો પ્રશ્ન વર્ષોથી સતાવી રહ્યો છે. રસ્તાઓ બાબતે પણ 2016થી રજૂઆત કરવામાં આવે છે. સ્ટ્રીટ લાઈનો પણ આભાવ છે. રખડતા પશુઓને કારણે લોકો હેરાન થાય છે. - ભુપેન્દ્રસિંહ વાઘેલા, સ્થાિનક રહિશ

​​​​​​​કેનાલ પર સર્વિસ રોડ બનાવવો જાઈએ
વિદ્યા ડેરી રોડથી દાંડી માર્ગનો જોડતો ડેડ કેનાલ પર રોડ બનાવવામાં આવે તો લોકોને અવરજવર કરવા માટે ટૂંકો માર્ગ મળી જાય અને વિદ્યાર્થિઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેમ છે. આ ઉપરાંત ગટરનો પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. - મણીભાઇ પટેલ, સ્થાનિક રહિશ

કેવા ઉઠ્યાં સવાલ
જિટોડીયા રોડ, વિદ્યા ડેરી રોડ અને મંગળપુરા સહિતની સોસાયટીઓમાં ગટરની સુવિધાઓ મળી નથી. તેમજ બ્લોક પેવિંગ સહિત રોડ રસ્તાના કામો નહીં થતાં હોવા સહિતના પ્રશ્નો ઉઠ્યાં હતા.

અમારી ગેરહાજરીથી વિકાસ અટકશે નહીં
વોર્ડ 13ના તમામ કાઉન્સિલરો પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા હાજર રહ્યાં ન હતા. કાઉન્સિલર કેતન બારોટનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બહારગામ જવાનું હોવાથી હાજર રહીં શક્યો નથી. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ઘણા કામો કર્યાં છે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાશે.

અન્ય સમાચારો પણ છે...