પર્દાફાશ:રાસનોલમાં મકાનમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલા 18 ગેસના બોટલ ઝડપાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંધણ ગેસના બોટલ રીફિલ કરી લારી-હોટલોવાળાઓને ઊંચા ભાવે વેચતો હોવાનું બહાર આવ્યું

આણંદ શહેરમાં રાંધણ ગેસના બોટલોનું ગેરકાયદે વેચાણ મોટાપ્રમાણ થઇ રહ્યું છે. જે અંગેની ફરિયાદો ઉઠવા પામી હતી. કેટલાંક વચેટીયાઓ ગેસના બોટલો રેસ્ટોરન્ટ ,લારીઓ કે અન્ય ખાનગી વ્યકિતઓને વેચીને મોટીરકમ વસુલતા હતા.જેના કારણે જરૂરીયાતમંદ લોકોને ગેસના બોટલ મળતાં ન હતા. જેને લઈ જિલ્લા પુરવઠા વિભાગે ગેસ બોટલના કાળાબજાર કરતા વિક્રેતા સામે લાલઆંખ કરી છે. રાસનોલ પુરવઠાની ટીમે સ્થળેથી 11 રાંધણ ગેસનાં બોટલ ભરેલા અને 7 ખાલી જે મળી કુલ 18 ગેસનાં બોટલ કબજે લઈ સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પુરવઠા વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના રાસનોલ ગામે આવેલા ગબા મોતી ફળિયામાં રહેણાંક મકાનમાં અનઅધિકૃત રીતે રાંધણ ગેસના બોટલ રાખી નિયત ભાવ કરતાં રૂપિયા 200 થી300નો વધુ ભાવ વસુલી બોટલનું મોટા પાયે વેચાણ કરતાં ગામના નગીનભાઈ ચતુરભાઇ પટેલના સામે મળેલ ફરિયાદ આધારે સોમવારે આણંદ જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.શાહની સૂચનાથી રાસનોલ ગામે પૂરવઠા ટીમે રેડ પાડી હતી.

જ્યાં એક ગોડાઉન જેવા સ્થળેથી 18 જેટલા રાંધણ ગેસનાં ઘરેલુ વપરાશ હેતુસર વપરાતા બોટલનો જથ્થો ઝડપી પાડી સિઝ કરી દીધો હતો. જેમાં 11 નંગ બોટલો ભરેલી અને 7 ખાલી મળી કુલ 18 નંગ બોટલો સિઝ કરવાની કાર્યવાહી કરી હતી.તેમજ વિક્રેતા દ્વારા આ નેટવર્કર કેટલા સમયથી તેમજ કઈ એજન્સી દ્વારા આ બોટલ સપ્લાય કરાતા હતા. તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદે રાંધણ ગેસની બોટલ વેચનારા સામે કાર્યવાહી કરાશે
આણંદ જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.શાહે જણાવ્યું હતું કે, રાંધણ ગેસનાં બોટલો કબ્જો લઇ હાલ સિઝ કરી એજન્સીજની તપાસ કરાઈ છે.જો કે આ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ(પુરવઠા વિતરણ નિયમન) ના હુકમ 2000ની કલમ 3 અન્વયે અનઅધિકૃત કબજા અને પુરવઠા હેઠળ વપરાશ ઉપર પ્રતિબંધ ની શ્રેણીમાં આવે છે. જે જોગવાઈ આધારે આ અંગે રાંધણ ગેસના બોટલનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે અને જથ્થો સીઝ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં ગેરકાયદે રાંધણગેસ બોટલો કાળબજાર વેચતાં તત્વો સામે ટુંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...