તડામાર તૈયારી:17મો ધર્મજ ડે - 1100થી વધુ NRI વતનની માટીની સુવાસ માણશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિરંગાની થીમ અને મિલેટસની વાનગી સાથે ઉજવણી કરાશે

ચરોતરના પેરિસ ગણાતા ધર્મજ ગામમાં 2007થી અવિરત ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં પણ ઓનલાઇન ઉજવણી ચાલુ રાખી હતી. ચાલુ વર્ષે આગામી 12મી જાન્યુઆરી 2023ના રોજ 17માં ધર્મજ ડેની ઉજવણી તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે ઉજવવામાં આવશે. જે માટે અત્યાર સુધીમાં અમેરિકા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી 500થી વધુ ધર્મજના એનઆરઆઇનું આગમન થઇ ચૂક્યું છે. જ્યારે આ વખતે ધર્મજ ડે પર 1100 જેટલા એનઆરઆઇ ભાગ લેશે.

આ અંગે રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી સ્વામી વિવેકાનંદ જ્યંતિના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે. જેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પૂર્વ તૈયારી અને પૂર્ણ તૈયારીની નેમ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉજવાતા આ પ્રસંગે ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ધર્મજીયનો પધારશે. આ વર્ષે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો હોઈ 17માં ધર્મજ ડેની ઉજવણી તિરંગા રંગની થીમ સાથે થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના અનુરોધ મુજબ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023ને “ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેથી“ધર્મજ ડે”માં પધારનારા મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.

આ કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટ્સ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે એક સેમિનારનું આયોજન પણ થઇ રહ્યું છે. જ્યારે ધર્મજ ડેના મુખ્ય વક્તા તરીકે જાણીતા વિચારક અને ચિંતક ડો. નરેશભાઈ વેદ પધારશે. તેઓ વતનનો ઝુરાપો વિષય પર વ્યક્તવ્ય આપશે. ધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન મુક્તિરથ (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે આ વાહન તૈયાર થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...