• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 1649 Revealed That The Then Auditor, The Current Chief Accountant Auditor Had Made An 'adjustment Entry' In Hawala Entry Without Any Evidence And Voucher

SP યુનિવર્સિટી કૌભાંડ:1649 હવાલા એન્ટ્રીમાં તત્કાલિન ઓડિટર, વર્તમાન ચીફ એકાઉન્ટન્ટ-ઓડિટરે કોઈ પણ પુરાવા અને વાઉચર વિના ‘એડજસ્ટમેન્ટ એન્ટ્રી’ પાડી હોવાનો ઘટસ્ફોટ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.ના 37.30 કરોડના હિસાબી ગોટાળાની નિવૃત જસ્ટીસ સહિતની પાંચ સભ્યોની કમિટી દ્વારા તપાસ કરાઈ

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ચકચારી રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળાનો રિપોર્ટ યુનિવર્સિટીમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે તત્કાલિન ઓડિટર, વર્તમાન ચીફ એકાઉન્ટટન્ટ તથા વર્તમાન ઓડિટરની કામગીરી પરત્વેની બેદરકારી હિસાબી ગોટાળા પાછળ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, ત્રણેયની મિલિભગતથી 1649 હવાલા એન્ટ્રીમાં તેઓ દ્વારા કોઈ પણ પુરાવા-વાઉચર વિના ‘એડજસ્ટમેન્ટ એન્ટ્રી’ પાડી દઈ હિસાબી ગોટાળા કરાયા છે.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટીના રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળા વર્ષ 2014-15ના વર્ષના છે. જેમાં યુનિવર્સિટી ઓવન ફંડ-જનરલ ફંડ ઊભું કરી હવાલા એન્ટ્રીઓ દ્વારા રૂપિયા 29.22 કરોડ ઉધાર કર્યા હતા. જ્યારે કેપિટલ ગ્રાન્ટ ફંડ જનરલમાં રૂપિયા 8.08 કરોડ ઉધાર કર્યા હતા. આમ, બંને મળી કુલ રૂપિયા 37.30 કરોડની જમા બાકી સમગ્ર ગોટાળાની તપાસનો ભાગ બની હતી. આ બાકી રકમ વર્ષ 2019-20 સુધી ‘યુનિવર્સિટી ઓવન ફંડ’ હેઠળ દર્શાવી હતી.

દરમિયાન, ગત મે માસની સિન્ડીકેટ બેઠકમાં સમગ્ર બાબતે કમિટીની નિમણુંક કરી તપાસ કરવાનું નક્કી થતાં હિસાબી ગોટાળાની તપાસ અર્થે નિવૃત જસ્ટીસ ડી. જે. કારીયાના ચેરમેન પદ હેઠળ િનવૃત તિજોરી અધિકારી નરેન્દ્રભાઈ દવે, પ્રોફેસર પી.કે. પ્રિયન, સી.એ. સંજીવ શાહ, અને ચરોતર એજ્યુકેશનના ચેરમેન કેતન પટેલના વડપણ હેઠળ કમિટીની નિમણુંક કરાઈ હતી. કમિટી દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ તૈયાર કરાયેલા રિપોર્ટમાં વર્ષ 2014-15માં કરાયેલી કુલ 5496માંથી 1649 હવાલા એન્ટ્રીનો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, એન્ટ્રીઓ કોઈ ચોક્કસ ફંડને અસર નથી કરતી. પરંતુ જુદા-જુદા ફંડ, સ્થાવર મિલકત, રોકાણ, આવક અને ખર્ચ, ચાલુ મિલકત તથા ચાલુ દેવાને પણ અસર કરે છે.

તત્કાલિન ઓડિટર મે. કે.જી. પટેલ અને કાું દ્વારા જે એકાઉન્ટસ તૈયાર કરવા માટે કામગીરી સંભાળી હતી, તેમાં તેઓએ જે હવાલા એન્ટ્રી કરી તેમાં પુરતા આધારરૂપ કાગળો રાખ્યા નથી. તથા ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સની પણ પૂરતી ચકાસણી કરી નથી. આ ઉપરાંત તત્કાલિન ઓડિટર કે. જી. પટેલ દ્વારા જે એકાઉન્ટસ તૈયાર કર્યા અને તેમાં મુખ્ય િહસાબી અધિકારીએ સહી કરી છે. પરંતુ તેમાં હિસાબી શાખા દ્વારા આપવામાં આવેલા હિસાબ બાકીઓ અને ઓડિટર દ્વારા વાર્ષિક હિસાબોમાં હવાલા નાંખ્યા બાદની બાકીઓમાં તફાવત છે. આમ, તત્કાલિન ઓડિટર કે. જી. પટેલ અને મુખ્ય હિસાબી અધિકારી એ.કે. ભટ્ટ અને ચાલુ ઓડિટર સી.એન.કે એન્ડ એસોસિયેટ્સ દ્વારા સ્પષ્ટપણે નિષ્કાળજી દાખવી હોવાનું ફલિત થાય છે.

વીમાવાળાએ કમિટી સમક્ષ કહ્યું, મેં તો બેથી ત્રણ વાર ફોલઅપ લીધું હતું
બાયોસાયન્સની આગનો રિપોર્ટ પણ આગામી 22મી ઓક્ટોબરના રોજ સિન્ડીકેટમાં મૂકવામાં આવશે. જોકે, સમગ્ર મુદ્દે જ્યારે યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટટન્ટ એન.કે. ભટ્ટને કમિટી સમક્ષ બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, મેં તો પ્રીમિયમનો રિપોર્ટ તૈયાર કરી ફાઈલ સબમીટ કરી દીધી હતી. પરંતુ પછીથી પ્રીમિયમ ભરાયું નથી. યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. જોકે, બીજી તરફ કમિટી દ્વારા એલઆઈસીના એજન્ટને બોલાવવામાં આવ્યો હતો. જેમાં તેણે કમિટી સમક્ષ બેથી ત્રણ વખત આવીને પ્રીમિયમ ભરવા માટેનું ફોલ અપ લીધું હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, કમિટી સમક્ષ હિસાબી અધિકારી એન.કે. ભટ્ટે પ્રીમિયમ ભરવાની ફાઈલ સબમીટ કરાવી હોવાનું જણાવ્યું હતું પરંતુ તે ફાઈલ ક્યાં, કોને સબમીટ કરાવી તે સાબિત કરી શક્યા નહોતા.

સ્ટેચ્યુએટરી ઓડિટ અને આંતરિક ઓડિટ માટે એક જ ઓડિટરની નિમણુંક હોવી જોઈએ
હિસાબી ગોટાળા બાબતને લઈને કમિટી દ્વારા એવું પણ સ્પષ્ટ આંકવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીના નાણાંકીય હિસાબો સિન્ડીકેટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને રાજ્ય સરકારને ઓડિટ માટે આપવા જોઈએ. પરંતુ તેમાં ક્યારેય પણ સ્ટેચ્યુએટરી ઓડિટ અને આંતરિક ઓડિટ માટે કોઈ એક ઓડિટરની નિમણુંક ન કરવી જોઈએ. પરંતુ યુનિવર્સિટીમાં માત્ર એક જ ઓડિટરની નિમણુંક કરાઈ છે. એક ઓડિટરની નિમણુંક કરતાં તે પોતાનો સાચો અભિપ્રાય ન આપી શકે, એમ પણ ઉલ્લેખ કરાયો છે.

જવાબદારો સામે શું પગલાં લેવાશે તેને લઈ સિન્ડીકેટ બેઠક પર નજર
યુનિવર્સિટીના મહત્વના રૂપિયા 37.30 કરોડના કૌભાંડ અને બાયો સાયન્સની આગના રિપોર્ટમાં હવે જવાબદારો વિરૂદ્ધ શું પગલાં લેવા તે સિન્ડીકેટ સભ્યો નક્કી કરશે. હિસાબી ગોટાળાનો રિપોર્ટ તથા બાયો સાયન્સની આગનો રિપોર્ટ આગામી 22મી ઓક્ટબર, શુક્રવારે મળનારી સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાશે. જેને પગલે હવે સૌની નજર બેઠક પર રહેશે.

કેમ હિસાબી ગોટાળા થયા છે એવું ફલિત થાય છે ?

  • ઓડિટર દ્વારા કરાયેલી એડજસ્ટમન્ટ એન્ટ્રી કોઈપણ જાતના રેકર્ડ કે વાઉચર વિના પાડવામાં આવી છે.
  • ચીફ એકાઉન્ટટન્ટ ઓફિસર દ્વારા હિસાબોમાં બેંક કે લોકલ ઈન્વેસ્ટીગેશન કમિટી પાસેથી થર્ડ પાર્ટી કન્ફર્મેશન લેવામાં આવ્યું નથી. જે ખરેખર લેવાવું જોઈએ અને તેને ઓડિટર સમક્ષ રજૂ કરવું જોઈએ.
  • 2.77 કરોડ, એફડીઆરના વ્યાજના આવક અને ખર્ચમાં બતાવવા જોઈતા હતા. જેને બદલે બેલેન્સ શીટમાં કેપિટલ ઈન્કમ તરીકે દર્શાવ્યા હતા. એ જ રીતે સેલ્ફ ફાયનાન્સ યુનિટના સરપ્લસ રૂપિયા 1.13 કરોડ કોન્સોલિડેટેડ આવક અને ખર્ચના બદલે ફંડ એકાઉન્ટમાં દર્શાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...