મહિલા સશક્તિકરણ:આણંદ જિલ્લાના 155 સખીમંડળના જૂથોને 1.55 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરાયું

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 424 સખીમંડળના જુથ માટે 4 કરોડ ઉપરાંતનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું

આણંદ જિલ્લામાં સખી મંડળોને આર્થિક રીતે પગભર બનાવી બહેનોનું સશક્તિકરણ કરવાના ભાગરૂપે 155 સખી મંડળોને વિવિધ બેંકના ક્રેડીટ કેમ્પ દ્વારા મંજૂર કરવામાં આવેલા 1.55 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 424 સખીમંડળના જુથ માટે 4 કરોડ ઉપરાંતનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યા હતા.

આણંદ ટાઉનહોલ ખાતે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત જિલ્લાના સખી મંડળોને આર્થિક રીતે પગભર બનાવવા 155 સખી મંડળોને વિવિધ બેંકના ક્રેડીટ કેમ્પ દ્વારા મંજૂર કરવામાં આવેલા 1.55 કરોડના ધિરાણના ચેક જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પરમાર, ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જિલ્લાના 424 સખીમંડળોના જુથને 4 કરોડ ઉપરાંતનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પરમારે જણાવ્યું હતું કે, સખીમંડળ દ્વારા ગામડાની બહેનોના સુખના દિવસ આવ્યા છે, ગામડાની બહેનો મહેનત કરે છે તેનું પરિણામ હવે મળ્યું છે બહેનો પગભર બની છે. પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બને છે. બહેનો બેંક મિત્ર તરીકે ફરજ બજાવીને અન્ય મહિલાઓને પણ બેંક દ્વારા આપવામાં આવતી લોન અંગેની જાણકારી આપે છે અને ગામડાની મહિલાઓ હવે બેંકમાં જાય છે અને ધિરાણ મેળવે છે વધુમાં તેમણે બહેનોને નીતિ સાચી રાખી મહેનત કરશો તો સફળતા જરૂર મળશે તેમ જણાવી સખીમંડળની બહેનોને બેંક દ્વારા લોન આપવામાં આવે છે એટલે તમે પગભર બન્યા છો ત્યારે બેંક તમારે માટે મંદિર છે એટલે બેંકના હપ્તા પણ નિયમિત ભરજો એવી આશા વ્યકત કરી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા જિલ્લાના સખીમંડળના બહેનો પૈકી બેંક મિત્ર તરીકેનું શ્રેષ્ઠ કામ કરનાર મહિલાઓનું પ્રમાણપત્ર અને કીટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, મિશન મંગલમના બિનાબહેન ત્રિવેદી, સ્વરોજગાર તાલીમસંસ્થાના નિયામક આર.કે. મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ બીનાબેન પટેલ, લીડ બેંક મેનેજર પ્રદિપ ચૌહાણ, વિવિધ બેંકના મેનેજરો, સખી મંડળના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...