લાખોની ઓફર:આણંદ કૃષિ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીને આફ્રિકામાં 15 લાખના પેકેજની ઓફર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ એગ્રિબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનું સો ટકા પ્લેસમેન્ટ થયું

આણંદ કૃષિ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનું 100 ટકા પ્લેસમેન્ટ થયું છે. જેમાં બે વિદ્યાર્થીને દક્ષિણ આફ્રિકાના દેશોમાં વાર્ષિક 15 લાખ રૂપિયાના પેકેજની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પણ રૂ.5 લાખથી 8 લાખના પેકેજ સાથે પસંદ કરવામાં આવ્યાં છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં ચાલુ વર્ષે કૃષિ વ્યવસાયના વ્યાપક ક્ષેત્ર સાથે સંકળાયેલી 12 જેટલી કંપનીઓમાં વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થયાં છે. જેમાના 60 ટકા વિદ્યાર્થી ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ તબક્કામાં અને બાકીના બીજા તબક્કામાં પસંદગી પામ્યા હતાં. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કંપનીમાં કુલ 36માંથી 30 વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે અને 5 વિદ્યાર્થીઓને સરકારી ક્ષેત્ર (બેન્કીંગમાં અને ગ્રામ સેવક)માં નોકરી મળી છે. જ્યારે એક વિદ્યાર્થીએ કૃષિ વ્યવસાયમાં ઉદ્યોગ - સાહસિકતા પસંદ કરી હતી. બેચનું સરેરાશ વાર્ષિક પેકેજ પાંચ લાખ રૂપિયા હતું. જેમાં એક્સપોર્ટ ટ્રેડિંગ ગ્રુપે બે વિદ્યાર્થી દિપિકા અને રોનક પટેલની પસંદગી અનુક્રમે તાન્ઝાનિયા અને મોઝામ્બિક નામના દક્ષિણ આફ્રિકાના દેશોમાં વાર્ષિક 15 લાખ રૂપિયાના પેકેજ સાથે કરી હતી. વધુમાં બે વિદ્યાર્થીની પસંદગી રૂરલ હાઉસીંગ ફાયનાન્સમાં એચડીએફસી લિમિટેડમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે વાર્ષિક 5 લાખના પેકેજ સાથે તેમજ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશના વિવિધ સ્થળોએ કુલ 8 વિદ્યાર્થીને વાર્ષિક રૂ. પાંચ લાખ રૂપિયાના પેકેજ સાથે પસંદ કરવામાં આવ્યાં હતાં. પ્લેસમેન્ટમાં ભાગ લેનારી અન્ય કંપનીમાં રિલાયન્સ રિટેલ, તિર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી., ઇમ્પાગ્રો ફાર્મિંગ સોલ્યુશન પ્રાયવેટ લીમિટેડનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ મેળવવા બદલ કુલપતિ ડો. કે. બી. કથીરિયા, સંશોધન નિયામક તથા અનુસ્નાતક વિદ્યાશાખા અધ્યક્ષ ડો. એમ.કે. ઝાલાએ સર્વેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

સંસ્થાની શરૂઆત 2008થી થઇ ત્યારથી સો ટકા પ્લેસમેન્ટ થાય છે
કૃષિ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટની શરૂઆતના 2008થી લગાતાર વિદ્યાર્થીઓને દર વર્ષે સો ટકા પ્લેસમેન્ટ પ્રદાન કરવાનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે. કૃષિ વ્યવસાય ક્ષેત્રની સુધારણા તેમજ ઉદ્યોગની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે વર્ષ 2019માં પીએચડી, એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ડિગ્રીની શરૂઆત કરી છે. હાલમાં સંસ્થાના વિદ્યાર્થીઓ મુખ્યત્વે એફપીઓએસ, કૃષિ ઉપજની કિંમત તેમજ તેના પુરવઠાના વ્યવસ્થાપન, વિવિધ કૃષિ કોમોડિટીની નિકાસ સ્પર્ધાત્મકતા, ગ્રીન એનર્જી અને વોટર માર્કેટ જેવા ક્ષેત્રોમાં સંશોધનમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...