• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 12 year old Tabario Swindled Rs 2.80 Lakh From Sojitra's Bank Of India, A Customer Standing Next To Him Did Not Even Know

ટેણીયો લાખો રૂપિયા લઈ છુમંતર:સોજીત્રાની બેંક ઓફ ઇન્ડિયામાં 12 વર્ષનો ટાબરીયો 2.80 લાખ લઈ રફુચક્કર, બાજુમાં ઉભેલા ગ્રાહકને ખબર સુદ્ધા ના પડી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકના સીસીટીવી ચેક કરાતા સમગ્ર ઘટના છતી થઈ
  • પોલીસે ત્વરીત કામગીરી કરતાં ચોર ગામ બહાર ભાગી જાય તે પહેલાં જ ઝડપાયો
  • ગ્રાહકને પૈસા પરત મળી જતા તેણે ફરિયાદ કરવાની ના પાડતા પોલીસ અસમંજસમાં મુકાઈ

સોજીત્રામાં દિન દહાડે ચિલઝડપની ઘટનાએ ચકચાર મચાવી છે. બેંક ઓફ ઇન્ડિયાની સોજીત્રા શાખામાં પૈસા ભરવા આવેલા ગ્રાહકની મોટી રકમને એક ટાબરીયો છુમંતર કરીને ભાગી ગયો હતો. ગ્રાહકને જાણ થતાં જ બેંકમાં હડકંપ મચી ગઇ હતી. પોલીસને જાણ કરી સીસીટીવી કેમેરા જોતા આખી ઘટના ઉઘાડી પડી હતી. પોલીસે ત્વરીત કામગીરી કરતાં ચોર ટાબરીયો ગામ બહાર ભાગી જાય તે પહેલાં જ ઝડપાઈ ગયો હતો. જોકે, આ ચિલઝડપનો ભોગ બનેલા ગ્રાહકને પૈસા પરત મળી જતા તેણે ફરિયાદ કરવાની ના પાડતા પોલીસ અસમંજસમાં મુકાઈ છે.

12 વર્ષના ટાબરીયાની નજર આ ગ્રાહકની રકમ ઉપર ગઇ
​​​​​​​સોજીત્રા બેંક ઓફ ઇન્ડિયામાં માંગરોળના ગ્રાહક પૈસા ભરવા આવ્યા હતા. જ્યાં બેંકની અંદર જ ફરતા 12 વર્ષના ટાબરીયાની નજર આ ગ્રાહકની રકમ ઉપર ગઈ હતી. ગ્રાહકના થેલામાંથી 2.80 લાખની ચિલઝડપ કરી તે પોતાના કોથળીમાં ભરી ફરાર થઈ ગયો હતો. જોકે, ગ્રાહકને જાણ થતાં જ બેંકમાં હોબાળો મચ્યો હતો. જ્યાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

બેંકના સીસીટીવી ચેક કરતાં ઘટના છતી થઇ
પોલીસ દ્વારા તરત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેંકના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર ઘટના છતી થઈ હતી અને ટાબરીયાની ઓળખ થઈ હતી. પોલીસે પોતાના માણસો દ્વારા ગામમાં ચેક કરાવતા બાળક રીક્ષામાં બેસી ગામ બહાર જાય તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી પોલીસે રકમની રિકવરી કરી ગ્રાહકને પરત સોંપી હતી.

પોલીસે ગણતરીના કલાકમાં ટાબરીયાને ઝડપી લીધો
​​​​​​​સોજીત્રા પોલીસે ઘટના બાદ ગણતરીના કલાકમાં ટાબરીયાને ઝડપી લીધો હતો. પરંતુ આ અંગે ચિલઝડપનો ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરવા ના કહેતા પોલીસ હાલ મુંઝવણમાં જણાઈ રહી છે. ચોર બાળકને છોડી દેવો એ પણ જોખમી છે. જો ભોગ બનનાર જ ફરિયાદ કરવા તૈયાર ન થાય તો આ ગુનો કેવી રીતે નોંધવો તે અંગે ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...