સરકાર એક્શનમાં:જિલ્લાના 138 ગામોમાં 100% રસીકરણ 213માં આજથી યુધ્ધના ધોરણે કામગીરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધવારથી ગ્રામસભાઓમાં રસીકરણ મુખ્ય મુદ્દો, સરપંચથી લઇ સરકાર એક્શનમાં

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે આણંદ જિલ્લામાં બાકી રહેલા તમામનું રસીકરણ કરવાની કામગીરીને એક અભિયાનના ભાગરૂપે લેવામાં આવી છે. જિલ્લાના તમામ 351 ગામોમાં 100 ટકા રસીકરણથી વંચિત ગામોમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 13, 46,411 ને પ્રથમ અને 4,93,410 લાભાર્થીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 351 ગામડાઓમાંથી ફકત 138 ગામમાં વેક્સિનની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

હજુ 213 ગામડાઓમાં વેક્સિનની 100 ટકા કામગીરી કરવાની બાકી છે ત્યારે ગ્રામસભાઓમાં 100 ટકા રસીકરણ પર જોર મૂકવામાં આવશે. આણંદ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં 351 ગામડાઓમાં આજથી રોજ સવારે 11 કલાકે અથવા બપોરે 3.00 કલાકે અનુકુળતા મુજબ ગ્રામસભા યોજવા જિલ્લા કલેકટરે આદેશ કર્યા છે ત્યારે તેમાં 100 ટકા રસીકરણની બાબતને પ્રાધાન્ય અપાશે. ગ્રામસભામાં ગામના તલાટી, સરપંચ, ગ્રામસેવક, આશાવર્કર બહેનો, પ્રાથમિક શાળાઓના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહેશે.

ગ્રામસભામાં થયેલા રસીકરણનો મુખ્ય રીપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવામાં આવશે. બીજી તરફ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન હેઠળ મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોમાંથી વેક્સિન ન લીધી હોય તેમની યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ગ્રામસભામાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહીને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવશે.

આમ ગ્રામ સભા એ ગ્રામ્યસ્તરે ખૂબ અગત્યનું માધ્યમ હોવાથી વેક્સિનની કામગીરીને વેગ આપવા માટે આગામી દિવસોમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 138 ગામોમાં વેક્સિનની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આથી 213 ગામડાઓમાં 100 ટકા રસીકરણ માટે વહીવટી તંત્ર આજથી ગામડાઓમાં ગ્રામસભાઓ ગજવશે.

10 દિવસમાં 62 ગામોમાં 100% રસીકરણ પૂર્ણ
આણંદ જિલ્લામાં 351 ગામોમાં આવેલા છે. 10 દિવસ અગાઉ માત્ર 75 ગામોમાં 100 ટકા રસીકરણ થયું હતું. ત્યારબાદઆરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક ગ્રામ પંચાયત તથાઆગેવાનો સહયોગથી છેલ્લા 10 દિવસમાં 62 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસો પણ તમામ ગામો 100 ટકા રસીકરણ થાયતે માટે ગ્રામસભા યોજીને જાગૃતિ ફેલાવવામાં આવશે.> ડો. એમ.ટી.છારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...