પશ્વિમ રેલવે વિભાગ વડોદરા હેઠળ આવતાં નબીપુર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે લાઇનનો વીજ તાર સવારે 8 વાગ્યાના અરસામાં તુટી પડયો હતો. ત્યારે આ લાઇન પર દોડતી અમદાવાદ -મુંબઇ વચ્ચેની 10 ટ્રેનો પ્રભાવિત થઇ હતી. તો વળી કેટલીક ટ્રેનો વિવિધ રેલવે સ્ટેશન પર અટકાવી દેવામાં આવતાં 2 કલાક સુધી મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા. આણંદ-નડિયાદથી ભરૂચ, અંકલેશ્વર અને સુરત જવા માટે નીકળેલા હાજારો મુસાફરો અટવાઇ જતા હાલાકીઓનો ભોગ બન્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા -ભરૂચ નબીપુર રેલવે સ્ટેશન વચ્ચે રેલવેલાઇનનો વીજ એકાએક તુટી પડયો હતો.જેના કારણે અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી, અમૃતસર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન, ગુજરાત એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જમ્મુ બાંદ્રા એક્સપ્રેસ, સહિત 10જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. તો વળી મોટાભાગની ટ્રેનો વડોદરા સ્ટેશન પર કે આગળના સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી.
વડોદાર પશ્વિમ રેલવે વિભાગે 2 કલાકની જહેમત બાદ વીજ તારનું જોડાણ આપતાં પુનઃ સદર લાઇન પર ટ્રેન વ્યવહાર શરૂ થયો હતો.તેની અસર દિવસ દરમિયાન દોડતી તમામ ટ્રેનો પર જોવા મળી હતી.જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરનાર હજારો મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.
રેલવે સ્ટેશનો પર સતત ટ્રેન મોડી હોવાનું માઇક પર એલાઉન્સ થતું રહેતાં મુસાફરો ગરમીમાં અકળાયાં
નબીપુર પાસે વીજ લાઇન તુટી જતાં મુંબઇ અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનો અસર થઇ હતી. જેના કારણે મોટાભાગની ટ્રેનો 1થી 2 કલાક મોડી દોડી રહી હતી. જેના કારણે આણંદ-નડિયાદના સ્ટેશન પર સતત માઇક એલાઉન્સ કરીને મુસાફરોને દરેક ટ્રેનોની જાણકાર આપવામાં આવી હતી. જો કે ઉનાળા ગરમીમાં ટ્રેનો મોડી પડતાં ગરમીના કારણે મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.કેટલાંક મુસાફરોએ રેલવે પ્લેટફોર્મ પર આરામ ફરમાવવાનું પસંદ કર્યુ હતુ. આણંદ રેલ્વે સ્ટેશન ખાતે શતાબ્દી ટ્રેન 11:10 કલાકે આવતી બપોર 12:45 કલાકે આવી હતા.તેમજ સિકન્દરાબાદ સહિતની ટ્રેન મોડી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.