હાલાકી:ખંભાતના ઝાલાપુરના ગ્રામજનો દ્વારા કાંસની મરામત તેમજ ગરનાળુ સાફ કરવા ઉગ્ર રજુઆત

ખંભાત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય

ખંભાતના ઝાલાપુર ગામના પ્રવેશદ્વાર પાસે ગરનાળું છેલ્લા ઘણા સમયથી ગ્રામ્યજનો માટે શિર દર્દ સમાન બન્યું છે. આ આ ગરનાળા ઉપર બંને સાઈડની સંરક્ષણ દીવાલો તૂટી ગયેલી અવસ્થામાં હોવાથી આ ગરનાળા પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. બીજી બાજુ કાંસની આસપાસ ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય હોવાથી ચોમાસા દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ ન થતા તેમજ આ નાળાનું દુષિત પાણી નજીકના પીવાલાયક બોરના પાણીમાં ઘુસી જતા ગ્રામ્યજનોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.જેને લઇ ગ્રામ્યજનોએ આ ગરનાળુ ચોમાસા પૂર્વે તાત્કાલિક સાફ કરવા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત કરી છે.

આ અંગે ઝાલાપુર (સોખડા)પંચાયતના સભ્ય રતિલાલ સોલંકીના જણાવ્યા મુજબ ગરનાળાની સંરક્ષણ દિવાલ નવી બનાવવા તેમજ કાંસ સાફ કરવા બાબતે અમો છેલ્લા ઘણા વર્ષથી સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરીએ છીએ ગ્રામસભામાં પણ નાળુ સાફ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરી છે.

ગરનાળાની જોખમી સંરક્ષણ દિવાલ પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી ગ્રામ્યજનો માટે આ ગરનાળુ ભારે જોખમી પુરવાર થયું છે આ ગરનાળાને સાફ કરી વહેલી તકે નવી સંરક્ષણ દીવાલ ઊભી કરાઇ તેવી ગ્રામજનોએ માંગ ઉચ્ચારી છે.છેલ્લા ઘણા વર્ષોથી કાંસ આફ કરવા તેમજ દિવાલના નવીનીકરણ માટે વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરી છે છતાં કોઈ પરિણામ મળ્યું નથી.

ચોમાસા પૂર્વે કાંસની સફાઈ પૂર્ણ કરી દેવામાં આવશે
આ અંગે પેટલાદ સિંચાઈ અધિકારી અમિતકુમાર પટેલે જણાવ્યું હતું કે, કાંસ અંગે ગ્રામજનોની અરજી મળી છે.ચોમાસા પૂર્વે ઝાલાપુર કાંસની સફાઈ પૂર્ણ કરી દેવામાં આવશે.ઉપરાંત ગ્રામજનોની અરજીના અનુસંધાને અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઇ રૂબરૂ મુલાકાત લીધી છે. હાલમાં ગોલાણા ગામ પાસે કાંસ સફાઈનું કામકાજ ચાલુ હોવાથી ત્યાં કામ પતાવી તુરંત ઝાલાપુર ગામનું કામ હાથ પર લેવાશે.

અન્ય સમાચારો પણ છે...