ગંભીર બેદરકારી:પાણી પુરવઠાના ઈજનેરની બેદરકારીને કારણે ‘નગરા’ના ગ્રામજનો મીઠાં પાણીથી વંચિત

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હયાત સંપથી પાઇપલાઇન-મશીનરી નાંખવામાં 1 વર્ષથી તંત્રના ઠાગાઠૈયા

ખંભાત તાલુકાના નગરા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.પાણી પુરવઠા વિભાગના કાર્યાપાલક ઈજનેરે નગરા પંચાયત પાસેથી 10 ટકા રકમ લોકફાળા પેટે ભરાવી લઈ ગ્રામજનોને મીઠું પાણી મળે તે બાબતે ઉદાસીનતા દાખવતા રોષ ભભૂકી ઉઠ્યો છે.ગ્રામજનોને મીઠું પાણી મળી રહે તે અર્થે વર્તમાન સરપંચ દ્વારા વારંવાર કચેરીઓએ તેમજ ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે.

લોકફાળો ભર્યા બાદ પણ તે અંતર્ગત આવતી યોજના હેઠળ પાઇપ લાઇન અને મશીનરીની કામગીરી હાથ ધરાતી નથી.કાર્યપાલક ઈજનેર દ્વારા ગોળ ગોળ વાતો - વાયદાઓ કરી ધરમધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. પ્રાપ્ત માહિતીનુસાર, 15 હજાર જેટલી વસ્તી ધરાવતા ખંભાત તાલુકાના નગરા ગામને ભાલપ્રદેશ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.

નગરા ગ્રામજનોને મીઠું પાણી મળી રહે તે હેતુસર નગરા ગામના સરપંચે21/6/2021ના રોજ હયાત સંપથી ઇ.એસ.આર સુધી 150 મીમી વ્યાસની જી.આઈ પાઇપ તેમજ પમ્પિંગ મશીનરીની કામગીરી કરવા અંગે પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરી હતી.ત્યારબાદ નાયબ કાર્યપાલક ઈજનેર તારાપુર દ્વારા જે તે સમયે સ્થળ મુલાકાત કરી હતી.

સંપથી ટાંકી વચ્ચે જોડાણ કરવામાં આવેલ ન હોય ભાલપ્રદેશ જૂથ પાણી પુરવઠાનું પાણી ટાંકીમાં ચઢાવી ઉપયોગમાં લેવામાં આવતું ન હતું.પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરની સ્થળ તપાસ બાદ તેઓએ યોજના હેઠળ તમામ કામગીરી જરૂરિયાત મુજબ કરવા 2.97 લાખ રૂપિયાની ગ્રોસ રકમ ખર્ચ બતાવ્યો હતો.

નગરા ગ્રામ પંચાયતને મૂળ કિંમતના 10 ટકા 29 હજાર 722 રૂપિયા લોકફાળો ભરવા જણાવ્યું હતું.જેથી નગરા પંચાયતે ગ્રામજનોને મીઠું પાણી મળી રહે લોકફાળા ભર્યા બાદ1વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાંય કાર્યપાલક ઈજનેર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી.સરપંચ દ્વારા વારંવાર ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક સાંધવા છતાંય પાણીનો પ્રશ્ન હલ ન થતા રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...