શિક્ષકોને સંગઠિત રહેવા અપીલ:ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળમાં આણંદના ત્રણ શિક્ષકોને હોદ્દા અપાયા, મહામંડળને વધુ મજબૂત કરવા હાકલ કરાઈ

ખંભાત7 દિવસ પહેલા
  • પ્રશ્નોનું નિરાકરણ સંગઠન અને સહકાર દ્વારા જ મેળવી શકાશે માટે સંગઠનને મજબુત કરો - કિશોરભાઈ જોશી
  • પાલીતાણા ખાતે ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ભાવનગર જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે પાલીતાણા મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળમાં આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને હોદ્દા આપવામાં આવ્યા હતા. સભામાં વરિષ્ઠ શિક્ષક અને દાદાના હુલામણા નામે ઓળખાતા કિશોરભાઈ જોશીએ પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન અને સહકાર પર ભાર મુક્યો હતો. તેમજ સૌ શિક્ષકોને મહામંડળ સાથે જોડાયેલા રહેવા હાકલ કરી હતી.

મહામંડળને વધુ મજબૂત કરવાની હાકલ કરાઈ
ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહા મંડળની વાર્ષિક સાધારણ સભામાં 23 જિલ્લા ઘટક સંઘોના પ્રમુખ મંત્રીઓ અને કારોબારી સમિતીના સભ્યો હાજર રહ્યા હતા અને મહામંડળના પ્રમુખની સંગઠનાત્મક લડત દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલના પ્રયાસોમાં સાથે રહેવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યકારી પ્રમુખ ચન્દ્રકાન્તભાઈ રોહિતે કેટલાક લોકો મહામંડળમાં ભાગલા પાડવાનું કાર્ય કરી રહ્યા છે અને નવો સંઘ ઉભો કરીને અનુદાનિત મહા મંડળને તોડવા સક્રિય બન્યા છે, તેમનાથી સાવધાન રહેવા અને આ મહામંડળને વધુ મજબૂત કરવાની હાકલ કરવા સાથે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે છેવટ સુધી લડી લેવાનું વચન આપ્યું હતું.

આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને પદ ઉપર નિમણૂક આપવામાં આવી
મહામંત્રી મયુરસિંહ રાઉલજીએ સંઘની વર્તમાન સ્થિતિની જાણકારી આપી હતી અને સરકારમાં ચાલી રહેલી 18/06/99 પછી વિદ્યાસહાયક તરીકે જોડાયેલા શિક્ષકોની સળંગ નોકરી, ખાલી જગ્યાઓ ભરવા અંગેની દરખાસ્ત તથા ઉચ્ચતર પગારની ફાઇલનું સ્ટેટ્સ જણાવ્યું હતું. તેમજ 4200 ગ્રેડ પે અને જુની પેન્શન યોજના બાબતે રાહ જોવા અને આ અંગે નામદાર હાઈકોર્ટમાં માગેલી દાદનું જજમેન્ટ આવે એની રાહ જોવા જણાવ્યું હતું.

જિલ્લાના તમામ શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી
મહા મંડળની વાર્ષિક સાધારણ સભામાં આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંક કરવાની થતા આ વખતે આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને પદ ઉપર નિમણૂક આપવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ પરમાર, લીગલ એડવાઇઝર તરીકે વિજયભાઈ વકીલ અને મિડિયા સેલમાં હેમલ શાહ (આણંદ ) અને સુનિલભાઈ પટેલ (વડોદરા), કારોબારી સભ્ય તરીકે ઉપેન્દ્ર સોલંકીની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. જેના પગલે આણંદ જિલ્લાના તમામ શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...