કિસાનોનો પોકાર:ડેમનું પાણી ન પહોંચતા ભાલ પંથકના કિસાનોએ પાણી બતાવ્યું

ખંભાત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી આપો નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું : ખંભાત પંથકના 75 ગામના કિસાનોનો પોકાર

ઓણસાલ પૂરતા વરસાદના અભાવે વાવેતર પર સંકટ ઘેરાયું છે. તેમાંય ખાસ કરીને ખંભાત અને તારાપુર તાલુકાના ભાલ પંથકમાં એક બાજુ વરસાદનો અભાવ અને બીજી બાજુ કેનાલોમાં છોડેલું પાણી પણ નહીં પહોંચતા રોપેલા ધરૂવાડિયા સુકાઇ જતાં કિસાનોને બેવડો માર પડ્યો છે. પંથકના 75થી વધુ ગામના કિસાનોએ ખંભાત સિંચાઇ વિભાગની કચેરીનો ઘેરાવ કરી પાણી આપોના સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું.

મહી કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી કાયમ મળતું હતું પરંતુ જ્યારથી કનેવાલ અને પરિયેજ પાણી પુરવઠા યોજનાનો અમલ શરૂ કર્યો ત્યારથી ભાલ પંથકના બુધેજ, સાંઠ, રંગપુર, નગરા, નવાગામ, લક્ષ્મીપુરા, ભીમતળાવ સહિત 75 થી વધુ ગામોના ખેડુતોને ખરા સમયે સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. બીજીતરફ ગામોની સિંચાઈની કેનાલો ખાલીખમ છે. કિસાનોએ પાણી છોડવા કરેલી રજૂઆતો પાણીમાં વહેવડાવી દેવા જેવી સ્થિતિ હોવાથી કિસાનોએ હક્ક માટે લડતનો માર્ગ અપનાવ્યો હોવાનું સ્થાનિક આગેવાન બળવંતસિંહ પરમારે જણાવ્યું હતું.

વિના પાણીએ ધરૂવાડિયા સુકાઈ રહ્યા છે
એકબાજુ વરસાદ નથી બીજી બાજુ કેનાલોમાં પાણી નથી.સરકારે 8 દિવસ પૂર્વે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાની જાહેરાત કરી છે. અમો કેનાલોના કિનારે પાણીની રાહ જોઈ થાકી ગયા છે. હજારો હેકટરમાં મહામહેનતે રોપણી કરેલ ધરૂવાડિયાને પાણી ન મળતા સુકાઈ રહ્યા છે.દેવુ થતા અનેક ખેડૂતો આર્થિક સંકટમાં ઘેરાઈ ચુક્યા છે.સંવેદનશીલ સરકારને છેવાડાના ગામના ખેડૂતોની વેદના અનુભવાતી જ નથી.પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે.> શનાભાઈ ગોહિલ, ખેડૂત, ભાલપંથક

કેનાલોમાં ટીપું પાણી નથી
અમારો છેવાડાનો વિસ્તાર હોવાથી પાણી પહોંચતું નથી અને પાક નાશ પામે છે. હાલ ડાંગરની રોપણી સમયમાં પાણીની તાતી જરૂરિયાત હોવા છતાંય ભાલપંથકના છેવાડાના ગામોની કેનાલોમાં ટીપું પાણી નથી. આ પરિસ્થિતિમાં ખેડુતોને નર્મદા ડેમમાંથી કાયમી ધોરણે સિંચાઈનું પાણી આપવા અમારી રજુઆત છે, અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.> અજીતસિંહ પરમાર, ખેડૂત અગ્રણી, ભાલપંથક

અન્ય સમાચારો પણ છે...