ખંભાતના પતંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ:અંગ્રેજોને પતંગ ચગાવતા જોઈ ચુનારા સમાજે 100 વર્ષ પહેલા શરૂ કર્યો હતો વ્યવસાય; હવે 4 હજાર પરિવારોની રોજીરોટી સંકટમાં

ખંભાતએક મહિનો પહેલા

નવાબી નગરી ખંભાત અકીક ઉદ્યોગની સાથે સાથે પતંગ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. અહીંની પતંગો દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વખણાય છે. બારે માસ અહીંયા 4 હજાર જેટલા પરિવારો પોતાના જ ઘરમાં પતંગો બનાવવાનું કામ કરી રોજીરોટી મેળવી રહ્યાં છે. ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચુનારા સમાજે 100 વર્ષ પહેલા વ્યવસાય શરૂ કર્યો
ખંભાતી પતંગ વિના પતંગના રસિકોને ઉત્તરાયણ ફિક્કી લાગતી હોય છે. ખંભાતના પતંગ ઉદ્યોગની જો વાત કરીએ તો અહીં 100 વર્ષ પહેલાંથી પતંગો ઘરે ઘરે તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષો પહેલા ખંભાતમાં બંદર ધમધમતું હતું અને તે સમયે અંગ્રેજોના આંટાફેરા રહેતા હતા. અંગ્રેજો દ્વારા કાગળની પતંગ બનાવી ખંભાતના દરિયા કિનારે ઉડાવવામાં આવતી હતી અને અહીંના લોકો તે નજારો જોતા હતા. ત્યારબાદ ખંભાતના ચુનારા સમાજ દ્વારા 100 વર્ષ પહેલા પતંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં તેમને સફળતા મળતા જ તેમણે પતંગને વ્યવસાયમાં પલટ્યો હતો. આજે ખંભાતમાં અલગ અલગ પ્રકારની 30થી વધુ વેરાયટીની પતંગો બનાવવામાં આવી છે. આ વ્યવસાય સાથે અંદાજીત 4 હજાર પરિવારો જોડાયેલા છે.

પતંગ ઉડતા સમયે ફાટતી કે તૂટતી નથી
ખંભાતી પતંગની વિશેષતાની જો વાત કરવામાં આવે તો અહીંના પતંગ ઉત્પાદકો મુંબઇ, દિલ્હી, કોલકાતાથી કાચું રો મટિરિયલ મંગાવી ઘરે જ પતંગોનું ઉત્પાદન કરતા હોય છે. ખાસ કરીને ખંભાતી પતંગની કમાન્ડ અને ઢધો વાસમાંથી વિશેષ પ્રકારની પદ્ધતિ અપનાવી બનાવવામાં આવતા હોય છે. આ સાથે પતંગ બનાવતા સમયે પતંગની ચારે કોર દોરી લપેટવામાં આવતા તૈયાર થયેલી આ પતંગ આકાશમાં ઉડતા સમયે ફાટતી કે તૂટતી નથી. જેને લઈ પતંગ રસિકોની પહેલી પસંદ ખંભાતી પતંગ બની છે.

કાચા માલ ઉપર GST લાગતા પતંગ મોંઘી થઈ
ખંભાતમાં વર્ષોથી પતંગના વ્યવસાય સાથે જોડાયેલા ઉમેશ ચુનારાના કહેવા મુજબ ગત વર્ષે મંદીનો માહોલ હતો. જેની અસર ચાલુ વર્ષે પણ જોવા મળી રહી છે. રો મટિરિયલ ઉપર GST લાગતા પતંગ મોંઘી તૈયાર થઇ રહી છે. પતંગ મોંઘી પડવાથી ગ્રાહકોને પણ તે પોસાતુ નથી, જેના કારણે ગ્રાહકો ઓછા જોવા મળી રહ્યાં છે. રાજકોટ, વડોદરા, સુરતના વેપારીઓ પતંગ માટે ખંભાતમાં ઓર્ડર આપતા હોય છે. બેંકમાંથી લોન લઈ વેપાર કરીએ છીએ. જો માલ પુરો વેચાય નહીં તો નુકસાન થવાની શક્યતા રહેલી છે.

બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી
અન્ય એક વેપારી મેહુલ ચુનારાના જણાવ્યા મુજબ ઉત્તરાયણના હવે માત્ર 9 દિવસ બાકી છે, છતા પણ ગ્રાહકો દેખાઇ રહ્યાં નથી. જે રીતે ગ્રાહકો આવવા જોઈએ તે રીતે આવી રહ્યાં નથી. રો મટિરિયલ મોંઘુ તેમજ મજૂરીના ભાવ ઊંચા હોવાથી પતંગ મોંઘી તૈયાર થાય છે. જેના કારણે ગ્રાહકને પણ તે પોસાય તેમ નથી, જેની અસર બજાર ઉપર પડી રહી છે.

કોરોના પછીથી પતંગ ઉદ્યોગ મંદીમાં
વેપારી જગદીશભાઇના જણાવ્યાં મુજબ હાલ મંદીના માહોલમાં ઓર્ડર બુક કરી વેપારીઓ પતંગો લઈ જઈ રહ્યાં છે, પરંતુ નવા ગ્રાહકો બજારમાં દેખાઈ રહ્યાં નથી. કોરોના પછીથી પતંગ ઉદ્યોગમા મંદી આવી રહી છે. પતંગ 7 તબ્બકામાં તૈયાર થાય છે, ખંભાતમાં આશરે 4 હજાર પરિવારો આ વ્યાવસાય સાથે જોડાયેલા છે. જો મંદી રહેશે તો તેની અસર જોવા મળી શકે તેમ છે. જ્યારે પતંગ ખરીદવા આવતા ગ્રાહકના જણાવ્યાં મુજબ પતંગના ભાવમાં વધારો થવાથી ગત વર્ષે જે પતંગ લઈ જતા હતા, તેની જગ્યાએ ચાલુ વર્ષે ઓછી પતંગ લઈ જઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...