અકસ્માત:અકસ્માત એટલો ભયંકર હતો કે કાર 90 ડિગ્રી ગોળ ફરી ગઈ હતી

ખંભાત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ઈજાગ્રસ્તો કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ખંભાત શહેરના મોચીવાડ જોશી ફળીયાના ભીલ વિસ્તારમાં રહેતા પ્રશાંતકુમાર કિશોરભાઈ ભીલ તેમની પત્ની ભગવતીબેન સહિત બે બાળકો સાથે ૧૬મી નવેમ્બરની રાત્રિએ જૂનાગઢ ખાતે પરિક્રમા અર્થે ગયા હતા. ઉપરાંત વડોદરા ખાતે રહેતા તેમના સાળા સુનિલભાઈ મોતીભાઈ ભીલ અને તેમની પત્ની હિનાબેન, પ્રશાંતકુમારનો ભાઈ નીતિનભાઈ અને નાના ક્લોદરા ખાતે રહેતો તેમનો મિત્ર જયકુમાર પ્રજાપતિ પણ જૂનાગઢ ખાતે ગયા હતા. દરમિયાન, પરિક્રમા પૂરી કર્યા બાદ તેઓ પરત ખંભાત આવી રહ્યા હતા.

તેઓ ખંભાત આવતા હતા ત્યારે પરોઢીયે પાંચ વાગ્યાની આસપાસ રોંગ સાઈડે આવી ચઢેલી ધોળકાના વાયણા પાસે એસિડ ભરેલી ટેન્કર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને 90 ડિગ્રી ગોળ ફરી ગઈ હતી.ટેન્કરનો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.

જ્યારે અકસ્માતમાં કારમાં સવાર પ્રશાંતકુમાર કિશોરભાઈ ભીલ (રહે.મોચીવાડ, ખંભાત), ભગવતીબેન પ્રશાંતભાઈ ભીલ (રહે.મોચીવાડ, ખંભાત), સુનિલભાઈ મોતીભાઈ ભીલ, (રહે.વડોદરા), હીનાબેન સુનિલભાઈ ભીલ (રહે.વડોદરા), જયકુમાર બંસીભાઈ પ્રજાપતિ (રહે.નાના ક્લોદરા, ખંભાત)ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 14 વર્ષીય સ્મિત પ્રશાંતભાઈ ભીલ, 12 વર્ષીય પ્રિયાંશી પ્રશાંતકુમાર ભીલ, ઉપરાંત નીતિનભાઈ કિશોરભાઈ ભીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108ની ટીમ અને સ્થાનિકો દ્વારા તુરંત જ બહાર કાઢી સારવાર અર્થે ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...